News of Monday, 23rd September 2024
ગુજરાતમાં ૩૦ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ખોટ અસહ્ય : તાજેતરમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ૭ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) બંધ કરવા અથવા તેના પુનરુત્થાન કરવા માટે નાણાં વિભાગે ભલામણ કરી
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટી જેવી એજન્સીઓએ પણ રાજ્ય સરકારને ખોટ કરી રહેલા ૩૦ પીએસયુ એકમો પર ઝડપથી નિર્ણય લેવા ભારપૂર્વક ભલામણ કરી

અમદાવાદ : તા.૨૩ તાજેતરમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ૭ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) બંધ કરવા અથવા તેના પુનરુત્થાન કરવા માટે નાણાં વિભાગે ભલામણ કરી હતી. આ ઉપરાંત નાણા વિભાગે, ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટી જેવી એજન્સીઓએ પણ રાજ્ય સરકારને ખોટ કરી રહેલા ૩૦ પીએસયુ એકમો બોજારૂપ બની રહ્યા હોઈ તેની સદ્ધરતા અંગે રાજ્ય સરકારને ઝડપથી નિર્ણય લેવા ભારપૂર્વક ભલામણ કરી રહી છે.
રાજ્યમાં કુલ ૯૯ પીએસયુ છે. જેમાંથી સૌથી વધુ પીએસયુ ધરાવતા ટોચના પાંચ વિભાગોમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ,ઉદ્યોગો અને ખાણો,સામાજિક ન્યાય અને સશક્તિકરણ, શહેરી વિકાસ અને શહેરી આવાસ અને કૃષિ અને સહકાર વિભાગ છે. સરકાર સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં નફો કરતી પીએચયુની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે ખોટ કરતી પીએસયુ પ્રમાણમા સ્થિર રહી છે.
સત્તાવાર માહિતી અનુસાર ૫૮ પીએસયુ ૨૦૨૦-૨૧ માં નફો કરતી હતી, જેની સંખ્યા ૨૦૨૧-૨૨ માં વધીને ૬૧ અને ૨૦૨૨-૨૩ માં ૬૩ થઈ હતી. તેવી જ રીતે ૨૦૨૦-૨૧ માં ખોટ કરતી પીએસયુની સંખ્યા ૩૧ હતી અને ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ માં ૩૦ પર સ્થિર રહી હતી. ખોટ કરતી પીએસયુ પૈકી ૧૩ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે કરે છે, ૩ સબસીડી વાળા દરે જાહેર સેવાઓ પ્રદાન કરે છે, ૧૨ લીક્વિડેશન હેઠળ છે અથવા નિષ્ક્રિય છે અથવા અન્ય કંપનીઓ સાથે મર્જ કરવામાં આવી છે, અને બે “અન્ય શ્રેણી” હેઠળ છે.
ગુજરાત સરકારની ટોચની પાંચ નફો કરતી પીએસયુ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિ., અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝસૅ એન્ડ કેમિકલ લિમિટેડ છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
