<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

વડોદરામાં જનાઝામાં બે લાખ લોકો ઉમટી પડયા

ગુજરાતભરમાં આદરણીય સ્‍થાન ધરાવતા, પીર સૈયદ મોઇનબાવાની ટૂંકી વયે અલવિદા : ‘બાવાસાહેબ' એ પવિત્ર માસની ૧૪મી રાત્રિએ જ અચાનક આંખો બંધ કરીઃ માનવ મહેરામણ ઉમટયુઃ સુન્ની સમાજને જબરો આંચકોઃ ચાર કલાક સુધી જનાઝા યાત્રા ચાલી

રાજકોટ તા. રપ : સુન્‍ની સંપ્રદાયમાં આદરણીય સ્‍થાન ધરાવતા, ગુજરાતના જાણીતા સુફી ઉલેમા અને સુન્ની વડા હઝરત પીર સૈયદ મોઇનુંદદીનબાવા (કાદરી, ચિશ્‍તી, રિફાઇ) ગત તા. ૧૭-૯-ર૪ ને મંગળવારના રોજ રાત્રિના ૯-૧૦ વાગ્‍યે હાર્મની હોસ્‍પિટલ-વડોદરા ખાતે સારવાર દરમિયાન ઇસ્‍લામ ધર્મના મહત્‍વના રબીઉલ અવ્‍વલ મહીનાની ૧૪ મી રાત્રીમાં આ ફાની દુનિયાને ૬૪ વર્ષની ટૂંકી વયે અચાનક અલવિદા કરી દેતા સુન્ની સમાજએ જબરો આંચકો અનુભવ્‍યો છે.

ભારતભરના સુન્ની સમાજમાં ‘મોઇને મિલ્લત' તરીકે જાણીતા અને ગુજરાતમાં ‘બળે બાવા સાહેબ' તરીકે પ્રખ્‍યાત પીર સૈયદ મોઇનુંદદીન બાવા કાદરી છેલ્લા બે વર્ષથી અસ્‍વસ્‍થ થયા હતા આમ છતાં તેઓ તેઓની પ્રવૃતિથી દુર થયા ન હતા અને ગત વર્ષે અગિયારમી શરીફમાં બગદાદ શરીફ પણ હાજર રહ્યા હતાં. અને ડાયાલીસીસની સારવાર ચાલતી હતી જે નિયમિત સારવાર દરમિયાન તેઓએ આંખ મીંચી લેતા સુન્ની સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

 ગુજરાતમાં સતત સિંહ ગર્જના કરી સુન્ની સમાજને મજબૂત બળ પુરૂ પાડનાર હુઝર પીર સૈયદ અઝીમુદદીન બાવા કાદરી (જુમ્‍આ મસ્‍જીદવાળા બાવા) (રહે.)ના તેઓ એકમાત્ર સુપુત્ર હતાં. અને બગદાદ શરીફના બે ગાદિપતિ, ત્‍થા દરગાહે રિફાઇયાહ (ઇરાક)ના ગાદિપતિ ઉપરાંત પોતાના પિતાજી તરફથી કાદરી, ચિશ્‍તી, રિફાઇ સિલસિલાની ખિલાફત ધરાવતા હતાં.

વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સારી એવી નામના ધરાવતા ‘બાવા સાહેબ' વફાત પામતા દેશભરમાંથી સુન્ની બિરાદરો અને તેઓના અનુયાયીઓ વડોદરા ઉમટી  પડયા હતા અને બુધવારે આખો દિવસ લોકોએ તેઓના દીદાર કર્યા બાદ રાત્રે તેઓના જનાઝાની યાત્રા તેઓના નિવાસ સ્‍થાન મસ્‍જીદે ગોષિયાહ (ખાટકીવાડા) ખાતેથી શરૂ થયેલ અને જુમ્‍આ મસ્‍જીદ માંડવી ગેઇટ) ખાતે તેઓની નમાઝ તેઓના મોટા સુપુત્ર અને ગાદિપતિ, ખલીફાએ તાજુશ્‍શર્રીયાહ, હઝરત પીર સૈયદ આમીરૂદદીન બાવા કાદરીએ પઢાવ્‍યા બાદ  આ જનાઝાયાત્રા ૯-૩૦  વાગ્‍યે શરૂ થયા બાદ રાત્રીના ૧.૩૦ વાગ્‍યે ધનાની પાર્ક (મેમન કોલોની) પહોંચી હતી આમ  ૪ કલાક સુધી જનાઝા યાતરા ચાલુ રહી હતી. જેમાં બે લાખ લોકો જોડાયા હતાં.

આસ્‍તાનાએ અઝિમે મિલ્લત ખાતે મોઇનુદીન બાવાની મોડી રાત્રે દફનવિધિ કરવામાં આવી હતી. લોકોના ઘોડાપુરને જોતા સિટીના ચાર દરવાજા વિસ્‍તાર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્‍યા હતા. અને઼ સંપૂર્ણ વ્‍યવસ્‍થા જાળવી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી ચિરાગ શેખ, જાહિદબાપુ સૈયદ સહિતના આગેવાનો દ્વારા સંકલનમાં રહી કામગીરી કરી હતી.

વડોદરા શહેરમાં ખાનકાહે એહલે સુન્નતના નામે રૂહાની કેન્‍દ્ર આવેલુ છે. જે ૧૯૫૦માં અઝીમે મિલ્લત હઝરત સૈયદ અઝીમુદિન બાબાએ સ્‍થાપેલ. અને હઝરત સૈયદ અઝીમુદિંન બાબાએ ૧૯૮૯માં આ ફાની દુનિયાને અલવિદા કરી ત્‍યારબાદ ખાનકાહે એહલે સુન્નતમાં  કાદરીયા, ચિસ્‍તીયાની મહેફીલ કરી રહ્યા હતા. અને આ ખાનકાહ ચાલતી હતી અને તેઓએ પોતાની જિંદગી માવસેવામાં ગુજારી હતી. તેઓના જનાજામાં દેશ વિદેશ તેમજ ગુજરાતના વિવિધ શહેરો સોૈરાષ્‍ટ્ર, મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, કોલકતા, બિહાર, ઉતરપ્રદેશ સહિત વિવિધ રાજયોના તેઓના અનુયાયીઓ તેમજ અનેક નામી સુફી સંતો ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓની દફનવિધિને લઇ શહેરમાં ઠેક ઠેકાણે પોલીસ વ્‍યવસ્‍થા ગોઠવી દેવામાં આવી હતી.

દર ગુરૂવારે વડોદરા જુમ્‍મા મસ્‍જિદ ખાતે ખાનકાહ ભરાતી હતી જેમાં મોટી સંખ્‍યામાં તેમના અનુયાયીઓ ત્‍યાં પોતાની તકલીફો લઇને આવતા હતા અને ત્‍યાં સૈયદ મોઇનુદીંન બાબા તેમના માટે દુઆ કરતા હતા અને તેઓની તકલીફો દુર થતી હતી. તેઓનું જીવન પણ સાદગીભર્યું રહ્યું હતું.

સૈયદ મોઇનુદીંન બાબા કાદરી જન્નતનશીન થતા તેઓની યાદમાં ગત શનિવારના રોજ મોગલવાડા ખાતે આવેલ ગોૈસીયા મસ્‍જિદ ખાતે જીયારત યોજાઇ હતી. જેમાં પણ મોટી સંખ્‍યામાં અનુયાયીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અને ખિરાજે અકિદત પેશ કરવામાં આવી હતી. અને ત્‍યારબાદ દરગાહ ખાતે દુઆ કરાઇ હતી.

એક સમયમાં સુન્ની સંપ્રદાયના વડા આ'લા-હઝરત ઇમામ અહેમદ રઝાખાન સાહેબ (રહે.) બરૈલી શરીફ (ઉત્તર પ્રદેશ) થી જયારે ગુજરાત આવેલા ત્‍યારે ખાસ કરીને મોઇન બાવાના દાદા હુઝૂર અમીરે મિલ્લત (રહે.) ને મળવા નવસારી પહોંચ્‍યા હતા અને એ સમયે ‘આ'લા-હઝરત' એ જે પથ્‍થર ને હાથ અડાડેલ તે પથ્‍થર આજે પણ નવસારી દરગાહ ખાતે હાજર રખાયેલ છે.

સુન્ની સમાજને સતત બળ પુરૂ પાડનાર ગુજરાતના આ સુફી સંત કાદરી પરિવારના વડા અને જેઓને ખુદ આ'લા-હઝરત મળ્‍યા હોય તેવા હુજુર અમીરે મિલ્લતના આ પૌત્રની વિદાયથી તેઓના અનુયાયી વર્ગમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

તેઓ સૌરાષ્‍ટ્રમાં જેતપુર-ઉપલેટા ખાતે અવારનવાર પ્રસંગોપાત હાજરી આપતા હતા અને ૧૯૯૭ માં રાજકોટ ખાતે ત્‍થા જુનાગઢ, પોરબંદર, બેડી ખાતે પણ હાજરી આપી સુન્ની સમાજને લાભ આપ્‍યો હતો.

સૈયદ મોઇનુદીંન બાબા કાદરીએ ૩૩માં ઉર્ષે અઝિમે મિલ્લતના મોૈકા પર તેઓની પાસે જે ખાનકાહની ખીલાફતો હતી તેનાથી સૈયદ અમીરૂદીન બાબાને નવાજયા હતા અને તેઓએ ખાનકાહના ગાદિપતિ તરીકે જાહેર કર્યા હતા. જયારે સૈયદ કબીરૂદીન બાબાને નાયબ સજ્‍જાદા નશીન તરીકે મુક્કર કર્યા હતા.

સૈયદ મોઇનુંદીન બાબા કાદરી સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા હતા. જેમાં સામુહિક નિકાહનું ભવ્‍ય આયોજન દર વર્ષે દરગાહ ખાતે કરવામાં આવે છે. અને લોકો તેનો લાભ પણ લે છે. જયારે વાર તહેવાર આવે ત્‍યારે શહેરની અનેક હોસ્‍પિટલોમાં ફ્રુટ, અનાજ કીટ તેમજ જીવન જરૂરીયાત વસ્‍તુઓની કીટનું વિતરણ પણ કરવામાં આવે છે. જયારે વડોદરામાં પુરની સ્‍થિતિ સર્જાઇ અને લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા ત્‍યારે નિઃસ્‍વાર્થ ભાવે નાત-જાત જોયા વગર તેઓના સુપુત્ર સૈયદ અમીરૂદીન બાબાએ કેટલાક વિસ્‍તારોમાં અનાજની કીટોનું વિતરણ પણ કર્યું હતું. આજે પણ અનેક સેવાકીય કાર્યો પણ તેઓ હાથ ધરી રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે, બાવા સાહેબ હમેંશા  પોતાની ખાનકાહે અહેલે સુન્નત (જુમ્‍આ મસ્‍જીદ) વડોદરામાં દરેક તહેવાર મનાવતા હતા અને દર વર્ષે ઉર્ષે રઝાના બપોરના સમયે કુલશરીફ કરતા હતાં. અને ખાસ કરીને આ'લા-હઝરતના પંથનો પ્રચાર, પ્રસાર કરવામાં સદા અગ્રેસર અને સમર્થક રહ્યા હતાં.

આ સંજોગોમાં તેઓની કરૂણ વિદાયથી સુન્ની સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી હોવાનું તેઓના દ્વારે ઉપસ્‍થિત થયેલા ઉલેમાઓએ કહી તેઓને શ્રધ્‍ધાંજલિ અર્પિત કરી હતી.

(11:57 AM IST)