<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પાટણની આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનની થાળીમાંથી દેડકો નીકળ્યો

એન એસ યુ આઈના છાત્રો દ્વારા ઘેરાવ તાળાબંધી કરવામાં આવી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પાલનપુર : 22 સપ્ટેમ્બરને સોમવાર છેલ્લાં કેટલાંક સમયથી હોટલ અને રેસ્ટોરાંમાં જીવજંતું નીકળવાની ઘટનાઓ જોવા મળે છે. ત્યારે પાટણ  થી આવા જ સમાચાર સામે આવ્યા છે. પાટણની આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ કુમાર છાત્રાલયના ભોજનની થાળીમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા અંતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આ દરમિયાન વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવી હતી, જેને પગલે મામલો ઉગ્ર બનતા વિદ્યાર્થીઓ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.
 
NSUIના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જમવાની બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે કોઈ નિવારણ ન આવતા અંતે આજે તાળાબંધી અને કચેરીના ઘેરાબંધીના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો છતાં તેઓએ તાળાબંધ કરી અંતે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ મામલે પોલીસે 30થી વિદ્યાર્થીઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બૂમરાળ ઊઠી હતી. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલયના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેમણે બે દિવસમાં જમવાની ક્વોલિટી સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ બાબતને લઈને વિદ્યાર્થીઓએ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી.
 
ત્યારે 22 સપ્ટેમ્બરને સોમવારે વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જમવામાં આવાર-નવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવતાં નથી. ત્યારે આજે આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી અને ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો.

(7:13 PM IST)