<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો: છેલ્લા 2 કલાકમાં સુરતના ઉમરપાડામાં પોણા 3, મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ ધોધમાર પડ્યો

બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો, શહેરના અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા

વરોદરા: આગામી 30 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત સુધીમાં શહેરના અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં 11 મિ.મી વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ 137 મિ.મી (5.39 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયો છે. આ સિવાય સુરત શહેરમાં 79 મિ.મી (3.11 ઈંચ), વડોદરા શહેરમાં 77 મિ.મી (3.03 ઈંચ),નવસારીમાં 66 મિ.મી (2.60 ઈંચ), સાબરકાંઠાના પ્રાંતિજમાં 60 મિ.મી (2.36 ઈંચ), સુરતના માંડવી અને નવસારીના ગણદેવીમાં 52-52 મિ.મી (2.05 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આજે આખા દિવસ દરમિયાન 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 7 તાલુકામાં 2 ઈંચથી વધુ, 3 તાલુકામાં 3 ઈંચથી વધુ અને એક તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાતે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન રાજ્યના 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 72 મિ.મી (2.83 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ખાબક્યો છે. આ સિવાય મહેસાણાના વિજાપુરમાં 33 મિ.મી (1.30 ઈંચ), છોટા ઉદેપુરમાં 24 મિ.મી, નવસારીમાં 23 મિ.મી, સુરતના કામરેજમાં 21 મિ.મી વરસાદ વરસ્યો છે.

(1:03 AM IST)