News of Friday, 27th September 2024
ગુજરાતમાં સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો ભારે વરસાદ : બપોર સુધીમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો : આજે પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી
વલસાડમાં અતિથી અતિભારે જ્યારે સુરત, ડાંગ, તાપી,નવસારી અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી

રાજકોટ તા.૨૭ : હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી હતી, તે મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે વહેલી સવારથી પણ અનેક વિસ્તારમાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે. સવારના છ વાગ્યાથી લઇને ત્યાર સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે મેઘરાજા વહેલી સવારથી મન મુકીને વરસી રહ્યા છે. જેમાં રાજ્યમાં અંદાજીત 42 જેટલા તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો, અમરેલીના બાબરામાં 1.6 ઇંચ, ચુડામાં 0.79 ઇંચ, ભેસાણમાં 0.71 ઇંચ, કુંકાવાવમાં 0.59 ઇંચ, ઉંમરપાડામાં 0.59 ઇંચ, રાણપુરમાં 0.59 ઇંચ, વઢવાણમાં 0.39 ઇંચ, વિસાવદરમાં 0.39 ઇંચ અને અમરેલીમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઇકાલે એટલે કે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 212 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વ્યારામાં 211 મીમી, સોનગઢમાં 159 મીમી, વિસાવદરમાં 152 મીમી, ઘોઘામાં 151 મીમી, પાલિતાણામાં 110 મીમી, વાપીમાં 109 મીમી, વલ્લભીપુરમાં 107 મીમી અને પારડીમાં 106 મીમી વરસાદ ખાબક્યો હતો.
વલસાડમાં અતિથી અતિભારે જ્યારે સુરત, ડાંગ, તાપી,નવસારી અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
