<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

વડોદરા વાસીઓની ચિંતામાં વધારો, મહિનામાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ, વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 9 ફૂટ દૂર છતાં સતત વધતા જળસ્તરે શહેરીજનોને જીવ અદ્ધર

વડોદરા: છેલ્લા ચારેક દિવસથી મેઘરાજા ગુજરાતના અલગ-અલગ ભાગોને ઘમરોળી રહ્યા છે. વિદાય વેળા છેલ્લા રાઉન્ડમાં વરસી રહેલા વરસાદે વડોદરાવાસીઓની ચિંતા ફરીથી વધારી દીધી છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, વડોદરા શહેર સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ફરી આજવા ડેમના પાણીની આવક વધી છે. આ સાથે વડોદરાના મધ્યમાંથી પસાર થતા વિશ્વામિત્રી નદી કાલાઘોડા બ્રિજ ખાતે 17 ફૂટની પાર પહોંચી છે. જેને પગલે ફરી એકવાર શહેરના નિચાણવાળા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં વરસા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉપરવાસમાં આવેલ વરસાદની અસર વિશ્વામિત્રી નદીની જળસપાટી પર જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદીના વધતા જળસ્તરે વડોદરાવાસીઓના જીવ અધ્ધર કર્યા છે.
જોકે હાલ વિશ્વામિત્રી નદીએની ભયજનક 26 ફૂટની સપાટી થી 9 ફૂટ દૂર છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા વધુ એક વાર લોકોને ભારે નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના એક મહિના ઉપરાંતનો સમય વીત્યા બાદ પણ કોઈ શીખ લીધી હોય તેમ દેખાઈ રહ્યું નથી.

(10:16 PM IST)