News of Sunday, 29th September 2024
અમદાવાદમા નકલી ચલણી નોટનુ કારસ્તાન ઝડપાયું : ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટાવાળી ચલણી નોટ દ્વારા સોનું ખરીદવા માટેનું કાવતરું : વેપારીને નકલી નોટના નામે કરોડોનો ચૂનો ચોપડવાનો પ્રયાસ : 500ની બધી ચલણી નોટો ડુપ્લીકેટ
માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ"તી : આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી'તી

અમદાવાદ તા.૨૯
તમે જો પાંચસોની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે. જોકે એવું થયું છે. આમ તો આપણે હવે મોટેભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. યુપીઆઈ જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ નથી થયું. એટલે જ જો કોઈ મોટી રકમની લેવડદેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે, એ અમદાવાદની ઘટનામાં જોવા મળ્યું.
અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની કે જે જોઈને તમારે હસવું કે રડવું એ નક્કી નહીં કરી શકાય. થયું એવું કે માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ.
સોનુ તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મગાવ્યુ જેની સામે રૂપિયા 500 ની દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ રૂપિયા ઓફિસેથી જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની નોટો નકલી હતી.
એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી.
વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
