<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનીઃ પૂરનું સંકટઃ ડેમની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂરઃ વડસર રોડ, કોટેશ્વર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાઃ 200 જેટલા અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતરઃ આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ

તકેદારીના ભાગરૂપે વડોદરા શહેરના 4 ઝોનમાં 30 સિટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે . તેમજ NDRFની બે ટૂકડીને સ્ટેન્ડબાય રખાઈ છે.

વડોદરાઃ  વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર વહી રહી છે. જેના પગલે વડસર રોડ, કોટેશ્વર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે. હાલ 200 જેટલા અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

હકીકતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ એક્ટિવ થતાં ચોમાસું વિદાય લેતા-લેતા વડોદરા શહેરને રીતસરનું ઘમરોળી રહ્યું છે. જો આજે વડોદરામાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, વડોદરા શહેરમાં 96 મિ.મી (3.78 ઈંચ), પાદરામાં 73 મિ.મી (2.87 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય વાઘોડીયામાં 18 મિ.મી, ડભોઈમાં 10 મિ.મી., સાવલીમાં 9 મિ.મી., ડેસરમાં 4 મિ.મી., કરજણમાં 2 મિ.મી વરસાદ નોંધાયો છે.
આજે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન જ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 76 મિ.મી વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધીને 22 ફૂટ પર પહોંચી ગઈ છે, જે તેની ભયજનક સપાટી 26 ફૂટથી માત્ર 4 ફૂટ દૂર છે. જેના પગલે વડોદરાવાસીઓના જીવ વધુ એકવખત તાળવે ચોંટ્યા છે.
વિશ્વામિત્રી નદીની જળસપાટી 22 ફૂટ પર પહોંચતા શહેરના વડસર રોડ પર આવેલ કોટેશ્વર ગામ, કાંસા રેસીડન્સી, સમૃદ્ધિ ટેનામેન્ટ સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયા હતા. જેથી મનપાની ફાયર બ્રિગેડની ટીમે 200 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા માઈક પર એનાઉન્સમેન્ટ કરીને લોકેને સાવધ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ તાત્કાલિક સલામત સ્થળે જતા રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે શહેરના 4 ઝોનમાં 30 સિટી બસોની વ્યવસ્થા કરવામાં આવ છે. તેમજ NDRFની બે ટૂકડીને સ્ટેન્ડબાય રખાઈ છે.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં આવેલી તમામ સ્કૂલોમાં આવતી કાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સ્કૂલોના આચાર્યને સૂચના આપી દેવામાં આવી છે.

 

(11:37 PM IST)