News of Monday, 30th September 2024
ભાદરવામાં ભીંડાનો ભાવ તળીયે બેસી ગયોઃ ખેડૂતોને ચોધાર આંસુએ રડાવ્યા
થોડા સમય પહેલા ભીંડાના ભાવ ૨૦ થી ૩૦ રૂપિયા કિલો વેચાતા હતા, તે આજે ૨ થી ૫ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે

અમદાવાદ, તા.૨૯: ભીંડાનું ઉત્પાદન કરનારા ખેડૂતો હાલ રડી રહ્યા છે. ખેડૂતોને ભીંડાના પ્રતિ કિલો ૫ થી ૧૫ રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ રિતેલમાં ભીંડા ૫૦ થી ૬૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. બટાકા, ડુંગળી, ટામેટા, લીંબુ સહિતના શાકભાજીના ભાવ ઊંચા હોવાથી ગૃહિણીઓ રડી રહી છે. તો બીજી બાજુ ભીંડાના હોલસેલ ભાવ બગડતા ખેડૂતો રડી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે ભાવ એટલા ઓછા મળી રહ્યા છે કે ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. ભીંડો ઉગાડીને મોટી ભૂલ કરી હોય તેવું તેમને લાગી રહ્યું છે. ખેડૂતોને ભીંડાને ગુણવત્તા પ્રમાણે પાંચથી પંદર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ૧૫ દિવસમાં ભીંડાના ભાવ ઘટ્યા છે. ભીંડાની આવક ડબલ કરતા પણ વધી ગઈ છે. એક સમયે ખેડૂતોને ભીંડાના ૩૦ થી ૪૦ રૂપિયે મળતા હતા પણ હવે ભાવ ખૂબ ઘટી ગયા છે. વળી કેટલાક લોકો ભાદરવામાં ભીંડા ખાવાનું પસંદ કરતા નથી અને આથી માંગ પણ એટલી નથી. ભીંડાના હોલસેલ ભાવ ભલે બગડ્યા હોય પરંતુ રિટેલમાં તે ૫૦ થી ૬૦ રૂપિયા કિલો મળી રહ્યા છે. એટલે કે રિટેલમાં એટલા સસ્તા ભીંડા મળતા નથી. આ ઉપરાંત બટાકા ૫૦ રૂપિયા કિલો, ડુંગળી ૮૦ થી ૧૦૦ રૂપિયા કિલો. લીંબુ ૧૬૦ થી ૧૭૦ રૂપિયા કિલો. મળી રહ્યા છે. ચોમાસુ હોવા છતાં પણ લીંબુ ઊંચકાયા છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ભીંડાના ભાવ ઉંચકાય અને તેઓને સારું વળતર મળે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છઁસ્ઝ્રમાં ચારેય બાજુ માત્ર ભીંડા જ ભીંડા દેખાઈ રહ્યા છે. એક તરફ વરસાદના સમયમાં જ્યારે તમામ શાકભાજી ૬૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો પાસેથી ભીંડો ખરીદવા કોઈ તૈયાર નથી. ખેડૂતોને આ વખતે ભીંડાનું મબલખ ઉત્પાદન થયું છે, પરંતુ આવું ક્યારેય બન્યું નથી કે ખેડૂતોના ભીંડા ૨ રૂપિયે કિલો પણ કોઈ ખરીદવા તૈયાર ન થયું હોય. ખેડૂતોની સાથે શાકભાજી વિક્રેતાઓની હાલત પણ ખરાબ છે.
APMC માર્કેટમાં ભીંડો વેચાયા વગર પડ્યો રહ્યો હોય તેવું છેલ્લા ૩ થી ૪ દિવસથી બની રહ્યું છે. ૧ વીઘા જમીનમાં ૫૦ હજારનું રોકાણ કરીને ખેડૂતને આશા હતી કે ભીંડાને કારણે તેમનું ઘર ચાલશે. પરંતુ અમદાવાદ જિલ્લાના ખેડૂતોને ભીંડાની ખેતી ભારે પડી ગઈ છે. ૧૦ થી ૧૨ અને છેલ્લે તો ૧૫ થી ૨૦ રૂપિયે કિલો વેચાતા ભીંડા હાલ ૨ રૂપિયે ખરીદવા પર ફાંફા મારવા પડે તેવી સ્થિતિ છે.. આખરે કરવું તો શું કરવું? ખેડૂતોને આશા છે કે દર વખતની જેમ સરકાર હવે ખેડૂતોની વ્હારે આવશે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
