તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ગ્રહણના ઓછાયામાં શરૂ થશે નવરાત્રીઃ દસ દિવસ ભકિત સાથે ગરબાની રોનક જામશે
ગુરૂવારે સવારે ૫ વાગ્યે ગ્રહણ મોક્ષ-બુધવારે મધ્યરાત્રે ૧૨.૨૦ વાગ્યાથી પડવો શરૂ થશે : ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય બાધ નડશે નહીં: બે ત્રીજને કારણે ખેલૈયાઓ ૧૦ દિવસ ઘૂમવા મળશે

સુરત,તા. ૩૦: આદ્યશક્તિની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રીની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ખેલૈયાઓમાં ગરબા, દોઢિયા અને દાંડિયા રાસ કરવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી ગુરુવારે નવરાત્રી પર્વની રોનક શરૂ થશે અને ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર છે કે, આ વર્ષે નવની જરચાએ જગ્યાએ ૧૦ દિવસ ગરબે ઘૂમવાની મોજ માણી શકાશે. બે ત્રીજને કારણે શહેરભરમાં ૩થી ૧૨ ઓક્ટોબર સુધી ૧૦ દિવસના નવરાત્રી આયોજનો થયા છે. બીજી બાજુ ચાલુ વર્ષે અન્ય કેટલાક સંયોગો પણ નવરાત્રીમાં સર્જાશે. જેમાં ગ્રહણના ઓછાયા હેઠળ નવરાત્રી પર્વની શરૂઆત થશે. જોકે, ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય કોઇ બાધ નડશે નહીં.
નવરાત્રી પર્વની ઉજવણીને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દરમિયાન આ વર્ષે નવરાત્રી પર્વ તિથિ અને અન્ય બાબતોએ પણ વિશેષ રહેવાનો મત જયોતિષીઓ આપી રહ્યા છે. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, ભાદરવા વદ અમાસના બુધવારે હિન્દુ સંવત વર્ષનું છેલ્લું કંકણાવૃતિ સૂર્યગ્રહણ છે. બુધવારે રાત્રિએ કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ પેસિફિક એ દક્ષિણ
અમેરિકાની દક્ષિણ બાજુ દક્ષિણ ચીલી, આર્જેન્ટિનામાં દેખાશે. ગ્રહણ સ્પર્શ રાત્રિએ ૯.૧૨ વાગ્યે થશે અને ગ્રહણ મોક્ષ ગુરુવારે વહેલી સવારે ૫ વાગ્યે થશે. ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોઈ ધાર્મિક રીતે કોઈ બાધ રાખવાનો નથી. બીજી બાજુ નવરાત્રિના આરંભની તિથિ જોવામાં આવે તો, બુધવારે રાત્રિએ ૧૨.૧૯ વાગ્યા સુધી અમાસ અને પછી પડવો શરૂ થાય છે.
વધુમાં, આ વખતે ત્રીજની વૃદ્ધિ તિથિ છે. શનિવાર અને રવિવારે બે દિવસ ત્રીજ છે. તિથિ પ્રમાણે જોઇએ તો, ગુરુવારે પડવો, શુક્રવારે બીજ, શનિવાર અને રવિવારે ત્રીજ, સોમવારે ચોથ, મંગળવારે પાંચમ, બુધવારે છઠ, ગુરુવારે સાતમ, શુક્રવારે આઠમ અને શનિવારે નોમ, મહાનવમી ઉજવાશે. ૧૨ ઓક્ટોબરના શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધી નોમ રહેશે અને પછી વિજયાદશમી પર્વ એટલે કે દશેરોની શરૂઆત થશે. શનિવારે સવારે ઉત્થાપન બાદ દશેરા પર્વની રંગારંગ ઉજવણી થશે.
હસ્ત નક્ષત્રમાં પાલખીમાં સવાર થઈને આવશે મા અંબા
જયોતિષીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુરુવાર અને શુક્રવારે નવરાત્રિ પર્વનો આરંભ થાય તો મા પાલખી કે ડોલીમાં સવાર થઇને આવતા હોવાનું માનવામાં આવે છે. એટલે કે આ વર્ષે પાલખીમાં સવાર થઇને મા અંબા આવશે. ગુરુવારે બપોરે ૩.૩૩ વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર, આખો દિવસ ઐન્દ્ર યોગ રહેશે. ચંદ્ર કન્યા રાશિમાં હશે. ગુરુવારે સવારે ઘટ સ્થાપન સાથે આદ્યશક્તિની આરાધનાનો દોર શરૂ થશે. જોકે, ગુરુવારે સૂર્યોદય પછીનું પહેલું ચોઘડિયું શુભ હોવાથી તેમાં ઘટસ્થાપન થઇ શકશે. ત્યાર પછી બન્ને ચોઘડિયા રોગ અને ઉદ્વેગ છે. બપોરે ૧૨.૧૨થી ૧ વાગ્યા સુધીનું અભિજિત મુહૂર્ત પણ શુભ ગણી શકાય.
પ્રિ-નવરાત્રીની મજા બગડી, હવે નવરાત્રીમાં વરસાદની ચિંતા
નવરાત્રી વેળા આદ્યશક્તિના જુદા જુદા સ્વરૂપની પૂજા-અર્ચના કરાશે. ૧૨ ઓક્ટોબરના રોજ દશેરા પર્વની ઉજવણી કરાશે. પ્રોફેશનલ ખેલૈયાઓ છેલ્લા ત્રણ મહિનાની તૈયારીઓ બાદ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. જોકે, આ વર્ષે મેઘરાજાના મિજાજ સામે નવરાત્રીની મોજ ફિક્કી પડવાનો ડર સૌને સતાવી રહ્યો છે. શહેરમાં વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા આયોજીત પ્રિ-નવરાત્રીની મોજ બગડી છે. શનિવારે મોડી સાંજે ધોધમાર વરસાદ બાદ રવિવારે પણ વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે. એવામાં હવે નવરાત્રીમાં વરસાદ પડશે કે કેમ એને લઇને આબાલવૃદ્ધો. ખેલૈયાઓ વિમાસણમાં મુકાઇ ગયા છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
