<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વડોદરામાં પોણા ૪ ઇંચ વરસાદ પડતા ફરી પુરનું સંકટઃ શાળા-કોલેજમાં રજા

૬ તાલુકામાં ૩ ઇંચથી વધુઃ ૧૧ તાલુકામાં ૨ ઇંચથી વધુ અને ૨૨ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ,તા. ૩૦: ગુજરાતમાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રવિવારના રોજ કુલ ૧૩૪ તાલુકામાં મેઘમહેર થઈ છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્‍યો હતો. સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં ૪.૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે વડોદરા શહેરમાં ૩.૭૭ ઈંચ વરસાદથી શહેરમાં ફરી એકવાર પૂરનું સંકટ ઘેરાયું છે. આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્‍યારે જાણો ક્‍યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

રાજયના કુલ ૬ જેટલા તાલુકામાં ૩ ઈંચથી વધુ જયારે ૧૧ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૨૨ તાલુકામાં એક ઈંચથી વધુ જયારે અન્‍ય તાલુકામાં સામાન્‍યથી ૧ ઈંચ જેટલો વરસાદ ખાબક્‍યો છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્‍છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકના પવન (ઝાપટા સાથે) સાથે છૂટાછવાયા સ્‍થળોએ હળવાથી મધ્‍યમ વરસાદની શક્‍યતા છે.

(1:26 PM IST)