<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વડોદરા શહેરમાં તા.૦૧ લી થી તા.૦૩ જી ઓક્ટોબર દરમિયાન ૧૮૪માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી

ખાનકાહે રિફાઈયા ખાતે પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) ના ૧૮૪માં ઉર્સ-શરીફની ભવ્ય ઉજવણી થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકાહે આલિયા રિફાઈયા ખાતે આગામી તા.૦૧ લી થી તા.૦૩ જી ઓકટોબર,ર૦ર૪ દરમિયાન કોમી એકતાના પ્રતિક સમા 'ફખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૪ માં ઉર્સ-શરીફ'ની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબની નિગેહબાની હેઠળ, આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે, અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સૈયદ મોઈનુદ્દીન (ઉર્ફે નૈયરબાબા) રિફાઈ અને સૈયદ હિંસામુદ્દીન(હિસામબાબા) રિફાઈ સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશિર્વચન પાઠવશે.

આ ત્રિદિસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા.૦૧-૧૦-૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ ખાનકાહના સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબના હસ્તે પંજા મુબારકની રસ્મ અદા કરવાની સાથે ઉર્સ-શરીફની ઉજવણીનો વિધિવત પ્રારંભ કરાશે. અને જાનશીન દ્વારા ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ''શાને રિફાઈયા'' નો પરચમ લહેરાવવામાં આવશે. રાત્રે ઈશાંની નમાઝ બાદ ઝિક્રે રિફાઈ, નાઅતખ્વાની અને મનકબતખ્વાનીની મહેફીલ યોજાશે. બીજા દિવસે તા.૦૨-૧૦-૨૦૨૪ ને બુધવારના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકદ્દસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલીયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલુસને પ્રસ્થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગશ્ત કરતું રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે, તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર, પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ તેમજ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે. ત્યારબાદ શિજરા-શરીફની મહેફીલ યોજાશે. તા.૦૩-૧૦-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સાંજે અસરની નમાઝ બાદ અરબી મિલાદ-શરીફના કાર્યક્રમમાં હુઝુરે અકરમ રસુલુલ્લાહ હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કુરાન-શરીફ તથા કાબા-શરીફના ગિલાફ-મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઇના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે, અને ત્યારબાદ મહેફીલે સમા (કવ્વાલી) ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજુ કરશે. અને તા.૦૪-૧૦-૨૦૨૪ ને શુક્રવારના રોજ બપોરે ઝોહરની નમાઝ બાદ કુલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે. આ ઉર્સ-શરીફની ઉજવણીમાં મુરીદો, અકીદતમંદો, અનુયાયીઓ, શ્રદ્ધાળુઓ-ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ભાગ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઇ સજજાદાનશીન, ખાનકાહે રિફાઇયા, વડોદરા નાઓ એ જણાવ્યું હતું

(11:20 PM IST)