<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

સુરતના ઠુંમર પરિવારની માત્ર છ દિવસની નવજાત બાળકીના પાંચ અંગોના દાનથી ચાર 'જીવનદીપ' રોશન

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અઢારમું અંગદાન: લીવર, બંને કિડની અને બંને ચક્ષુઓના દાન: લીવરથી ૧૪ મહિનાના સુરતના બાળક અને બંને કિડનીથી અમદાવાદના ૧૦ વર્ષીય બાળકને નવજીવન

(ભરત શાહ દ્વારારાજપીપળા:મૂળ સૌરાષ્ટ્રના ઢાંક ગામ, તા.ઉપલેટા, જિ.રાજકોટના વતની અને હાલ સુરત, સુખશાંતિ સોસાયટી, વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુંમરની નવજાત બાળકીના અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ  સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે. લીવરથી ૧૪ મહિનાના સુરતના બાળક અને બંને કિડની અમદાવાદના ૧૦ વર્ષીય બાળકને કે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે, અને સ્કૂલ હેલ્થ યોજના અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યું છે.

ગત તા. ૨૩મીના રાત્રે ૮:૨૪ વાગ્યે મનીષાબેન મયુરભાઈ ઠુંમરને નોર્મલ ડિલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં ફિમેલ બેબી(બાળકી)નો જન્મ થયો હતો, ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરુ કરવામાં આવી હતી.ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો.મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી, સારવાર બાદ તા. ૨૭/૦૯/ ૨૦૨૪નાં રોજ ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડૉ.મયંક દેત્રોજા, ડો.ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી
બ્રેઈન ડેડ જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ "એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે" ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન  ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે એવી સમજણ આપેલ હતી. શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી હતી.
    આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનાનો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ- લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું.
ટીમ જીવનદીપ એ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

(11:21 PM IST)