<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજૂરી: શહેર પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે

અમદાવાદ શહેરમાં વ્યાવસાયિક ગરબાના આયોજનોની 80 જેટલી અરજીઓ આવી છે. સાથે જ જે આયોજકો પાસ વેંચીને એન્ટ્રી આપે છે તેમણે પોલીસ કમિશનર કચેરીમાં જ મંજુરી લેવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે કહ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા આ મુજબ છે 

નવરાત્રી મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જારી કરાયેલી સુચના મુજબ, તમામ આયોજકોએ ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે.

વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વધુમાં વધુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે

ગરબાના સ્થળોએ લોકોની સલામતી, મહિલા સુરક્ષા, ટ્રાફિકની જાળવણી ઉપરાંત કોઈપણ પદાર્થના સેવન કરીને આવેલી વ્યક્તિ અંદર પ્રવેશે નહીં તે સ્પષ્ટ કરવા એક-એક જવાબદાર વ્યક્તિની નિમણુંક કરી તેમના નામ – સરનામા અને મોબાઈલ નંબર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

એન્ટ્રી ગેટ ઉપર મેટલ ડિટેક્ટર વાળા પ્રવેશદ્વાર, બ્રેથ એનેલાયઝર, ગરબાના પ્રવેશ અને રમવાના સ્થળોએ સીસીટીવીની વ્યવસ્થા કરવાની રહેશે.

કોઈ વ્યક્તિ બેગ કે અન્ય વસ્તુ લઈને આવે તો ચકાસણી કરવી અને તેને ટોકન આપીને જમા કરવી, ગ્રાઉન્ડ ઉપર લઈ જવા નહીં દેવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.

ગરબામાં રમનાર અને જોનારા વચ્ચે મજબૂત બેરિકેડિંગ કરવા પણ આદેશ કરાયો છે.

કોઈપણ આયોજકોએ સ્થળની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ટિકિટ કે પાસનું વેચાણ કે વિતરણ કરવા નહીં

વીજળી ગુલ થાય તો જનરેટર કે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી.

સ્ટેજની મજબૂતાઈ માટે પીડબલ્યુડીનું પ્રમાણપત્ર મેળવવું.

ગરબામાં 12 વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે અને સમયમર્યાદામાં ગરબા પુરા ક૨વા સાથે સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

ગરબામાં દિવસ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા રાખી વોચ ટાવરથી નજર રાખવી.

કોઈ નેતા કે અન્ય વ્યક્તિ ઉશ્કેરણી ન સર્જે તેની તકેદારી લેવાની પણ સુચના અપાઈ છે.

(12:09 PM IST)