<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

પાંચમાં નોરતા સુધી ભારે વરસાદની કોઇ શકયતા નથી

૭મી સુધી દિવસનું તાપમાન ૩૨ થી ૩૫ ડીગ્રીની રેન્‍જમાં તો ૮ મી ઓકટોબરથી ગરમીમાં વધારો થશેઃ તા. ૧૦ થી ૧૨ દરમ્‍યાન વાતાવરણમાં અસ્‍થિરતા સર્જાશેઃ હવામાન નિષ્‍ણાંત ગૌરવ રાણીંગા

રાજકોટઃ આવતીકાલ ૩ ઓકટોબર થી શરુ થતા નવરાત્રી પર્વના પહેલા નોરતા થી દશેરા સુધીના હવામાનની આગાહી અને આગોતરું એંધાણ..

ગુજરાતના વાતાવરણને અસરકર્તા થાય એવી કોઈ મોટી સિસ્‍ટમ્‍સ હાલ સક્રિય નથી, પહેલા નોરતા થી પાંચમા નોરતા સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્‍યતા નથી. પાંચમા નોરતા એટલે કે ૭ ઓક્‍ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ કાંઠાના જિલ્લાઓમાં લોકલ એક્‍ટિવીટીના ભાગ તરીકે ખૂબ સીમિત એકલ દોકલ વિસ્‍તારોમાં બપોર બાદના સમયમાં ગાજવીજ વાળા હળવા ભારે ઝાપટાં હળવો વરસાદ પડવાની સંભાવના ગણાય.

દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્‍તારોમાં થોડી વધુ શક્‍યતા. પણ તેનાથી નવરાત્રી આયોજનોમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ પડે તેવી સંભાવના ખુબજ ઓછી, આ સમયગાળા દરમ્‍યાન દિવસના મહત્તમ તાપમાનમાં વધારો થશે જે ૩૨-૩૫ સે. ની રેન્‍જમાં રહેશે. ૮ ઓકટોબર થી મહત્તમ તાપમાનમાં વધુ વધારો થઈ શકે જે ૧૨ ઓકટોબર સુધી અમુક સીમિત ગરમ વિસ્‍તારોમાં ૩૮-૩૯ સે. સુધી નોંધાય શકે. મુખ્‍યત્‍વે મધ્‍ય ગુજરાત અને ઉતર સૌરાષ્ટ્રના વિસ્‍તારોમાં ગરમીનું પ્રમાણ વિશેષ રહેશે.

આગોતરું એંધાણઃ ૮ થી ૧૩ ઓકટોબર એટલે કે દશેરા સુધીના સમયગાળા માટે પણ ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્‍ટમ્‍સ અસર કરે તેવી શક્‍યતાઓ ઘણી ઓછી, મધ્‍ય અરબસાગરમાં દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા કાંઠે ૯-૧૦ ઓકટોબર આસપાસ એક સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન સિસ્‍ટમ્‍સ આકાર લ્‍યે તેવી સંભાવના છે, જેને લઇને ઓકટોબરની ૧૦-૧૧-૧૨ તારીખોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં વાતાવરણમાં અસ્‍થિરતા  સર્જાય અને છૂટા છવાયા વિસ્‍તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં હળવો વરસાદ અને એકલ દોકલ વિસ્‍તારમાં મધ્‍યમ વરસાદની સંભાવના રહેલી છે જે અત્‍યારે એક આગોતરા એંધાણ તરીકે ગણવી  જેમાં આગળ ફેરફાર થઈ શકે, વધુ અપડેટ સિસ્‍ટમ બનવાની તારીખ નજીક આવશે એટલે આપવામાં આવશે.

ટુંકમાં દશેરા સુધી રાજયના ખૂબ સીમિત વિસ્‍તારોમાં અમુક તારીખોમાં સામાન્‍ય વરસાદની સંભાવનાઓ ને બાદ કરતા નવરાત્રી આયોજનોમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ પડે તેવા ભારે વરસાદની સંભાવના હાલની સ્‍થિતિઓ મુજબ નથી દેખાતી જેમાં ફેરફાર હશે તો આગળ વધુ અપડેટ આપવામાં આવશે.

અત્‍યારે ચોમાસાની વિદાય રેખા ઉતર ગુજરાતના ડીસા અને સૌરાષ્ટ્રના સુરેન્‍દ્રનગર, જૂનાગઢ સુધી પસાર થઈ રહી છે. આ સપ્તાહના અંત સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્રના કેટલાક વધુ વિસ્‍તારો અને મધ્‍ય ગુજરાત સુધીના વિસ્‍તારોમાંથી પણ વિદાય લઈ શકે છે.

નોંધઃ આગાહી હાલના વેધર ચાર્ટના એનાલીસિસ મુજબ છે જેમાં આગળ કુદરતી ફેરફાર શક્‍ય છે. તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ઉપર આધાર રાખવો. (વેધર બાય-ગૌરવ રાણીંગા)

(3:13 PM IST)