<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

કોર્પોરેટ ઓફિસ-હોટલને એક જ બિલ્‍ડિંગમાં મંજૂરી અપાશે

શહેરી વિકાસ વિભાગ દ્વારા રેગ્‍યુલેશન ફોર કોર્પોરેટ ઓફિસ, હોટલ એન્‍ડ મિક્‍સ્‍ડ યુઝ્‍ડ ડેવલપમેન્‍ટ એક્‍ટ-૨૦૨૪ લાગુ કરાયો : હોટલ અને મિકસ્‍ડ યુઝ ડેવલપમેન્‍ટમાં હોટલ માટે મુખ્‍ય પ્રવૃતિ તરીકે ઉપયોગમાં લેવાતા પ્‍લોટના કુલ બિલ્‍ટ અપ વિસ્‍તારના ઓછામાં ઓછા ૫૦ ટકા ગણવાનો રહેશે

અમદાવાદ,તા. ૪: રાજયમાં એક જ બિલ્‍ડિંગમાં ઓછામાં ઓછું ૫૦ ટકા હોટલનો વિસ્‍તાર હોય અને બાકીનો ભાગ અન્‍ય કોમર્શિયલ ઉપયોગ માટે લઇ શકાય તે માટેના રેગ્‍યુલેશન ફોર કોર્પોરેટ ઓફિસ, હોટલ એન્‍ડ મિક્‍સ્‍ડ યુઝ્‍ડ ડેવલપમેન્‍ટ એક્‍ટ-૨૦૨૪ને નવા સુધારા સાથે શહેરી વિકાસ વિભાગે લાગુ કર્યો છે. કંપનીની કોર્પોરેટ ઓફિસ હોય તે જ કોમ્‍પલેક્‍સમાં હોટલ પણ હોય તેવા મીક્‍સ ઉપયોગના ડેવલપમેન્‍ટ પ્‍લાનને ચોક્કસ જોગવાઇઓને આધીન મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદ સહિત મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી ડેવલપર દ્વારા એક જ કોમ્‍પ્‍લેક્‍સમાં હોટલ અને કોર્પોરેટ ઓફિસ હોય તેને અલગથી મંજૂરી આપવા માટે માગ કરી રહ્યા હતા તેને ધ્‍યાનમાં લઇને નવા નિયમો નક્કી કરાયા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રકાશ દત્તાની સહીથી તાજેતરમાં જારી કરાયેલા હુકમમાં ૨૦૧૬ના હોટલ એન્‍ડ મિક્‍સ યુઝ ડેવલપમેન્‍ટ વિનિયમોને રદ કરીને ૨૦૨૪ના કોર્પોરેટ ઓફિસ શબ્‍દ ઉમેરી નવા વિશિષ્ટ નિયમો જારી કરવામાં આવ્‍યા છે. રાજયમાં વધતા રોકાણને ધ્‍યાનમાં લેતા અને દેશ-વિદેશની કંપનીઓ પોતાની કોર્પોરેટ અને રજિસ્‍ટર્ડ ઓફિસ રાજયમાં શરૂ કરે અને આવકમાં વધારો થાય તેવી પ્રવૃતિમાં જમીનનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુને તેમાં ધ્‍યાનમાં રખાયો છે. જેને કોર્પોરેટ ઓફિસ, હોટલ અને મિશ્ર ઉપયોગ વિકાસ-૨૦૨૪ના નામે લાગુ કરાયા છે. આ નિયમો હેઠળ સૂચિત કોર્પોરેટ ઓફિસ, હોટલ અને મિશ્ર ઉપયોગની ઇમારતો માટેની કોઇપણ ઇમારતને લાગુ પડશે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

હોટલ અને મિકસ્‍ડ યુઝ ડેવલપમેન્‍ટમાં હોટલ માટે મુખ્‍ય પ્રવૃતિ તરીકે ઉપયોગમાં લેવાતા પ્‍લોટના કુલ બિલ્‍ટ અપ વિસ્‍તારના ઓછામાં ઓછા ૫૦ ટકા ગણવાનો રહેશે. તેની સાથે મનોરંજન જેવી અન્‍ય સંલગ્ન પ્રવૃતિ સાથે સિંગલ મેનેજમેન્‍ટ હેઠળ હોટલની કોઇપણ ઇમારત અથવા તેના જૂથમાં રિસોર્ટ્‍સ, પ્રવાસીઓ માટે ખરીદી, આનંદપ્રમોદની પ્રવૃતિ અને ખાદ્ય સેવાઓનો પણ સમાવેશ કરાયો છે. બાકીના બિલ્‍ટ અપ વિસ્‍તારનો ઉપયોગ કોમર્શિયલ મોલ, મલ્‍ટીપ્‍લેક્‍સ, કન્‍વેન્‍શન સેન્‍ટર જેવા અન્‍ય હેતુ માટે કરી શકાશે. આ નિયમનો સીજીડીસીઆરની જોગવાઇને આધીન જે ડેવલપર વિકાસ કરવા માગતા હશે તે સક્ષમ અધિકારીને અરજી કરશે તેની નકલ રાજય સરકારને પણ મોકલાવવાની રહેશે.

FSIના કિસ્‍સામાં આ નિયમોના હેતુ માટે કોઇપણ ઝોનમાં નિર્ધારીત FSIને ધ્‍યાનમાં લીધા વિના આ રીતે લાગુ કરાશે. તે મુજબ કોઇપણ પ્‍લોટ પર મંજૂર કુલ FSI ગ્‍લોબલ FSI (આ નિયમો હેઠળ FSI ઝોન કોઇપણ હોય) અને પ્રીમિયમ FSIનો સરવાળો હશે જયાં ગ્‍લોબલ FSI કોઇપણ વિસ્‍તારમાં ૦.૬ હોવી જોઇએ અથવા બેઝ FSI ચોક્કસ ઝોનમાં અનુમતિપાત્ર હશે જે લઘુત્તમ હોય. તે સાથે જંત્રીના ૪૦ ટકાના દરે પ્રીમિયમ FSIની પરવાનગી આપવામાં આવશે. કોર્પોરેટ ઓફિસના કિસ્‍સામાં પ્રીમિયમ FSI કોઇપણ સંજોગોમાં ૦.૭૦થી વધુ ન હોવી જોઇએ.  કટોકટીના સમયે નિકળવા માટે એસ્‍કેપ માર્ગ, આશ્રય વિસ્‍તાર ફરજિયાત છે.

CGDCR હેઠળ મંજૂર કરતા વધુ ઊંચાઇને વધારાની ઊંચાઇ તરીકે ઓળખવામાં આવશે. ૧૬.૫૦ મીટર સુધીની ઊંચાઇ ધરાવતી કોર્પોરેટ ઓફિસ બિલ્‍ડિંગ માટે પ્રવર્તમાન CGDCR મુજબ લઘુતમ સ્‍પષ્ટ માર્જિન પ્રદાન કરવામાં આવશે. વપરાશ કરેલી FSIના ૫૦ ટકા જેટલું લઘુતમ પાર્કિંગ આપવું પડશે. કોઇપણ ઝોનને ધ્‍યાનમાં લીધા વિના આ નિયમો હેઠળ સૂચિત ઉપયોગને મંજૂરી આપવામાં આવશે. વિકાસ પરવાનગી કે એનએ આદેશ જારી કરાયા પછી એક વર્ષમાં વિકાસ કામ કરવાનું રહેશે. (૨૨.૩)

કોર્પોરેટ ઓફિસ માટેની વિવિધ શરતો

*  છેલ્લા  ૫ વર્ષમાં ગુજરાત રાજયમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રૂ.૧૦૦ કરોડથી વધુનું રોકાણ

*  બિલ્‍ડિંગ યુનિટની અંદરની તમામ ઇમારતો કંપનીના સત્તાવાર હેતુ માટે ઉપયોગમાં લેવાશે

*  ૫૦ કરોડથી ઓછી ન હોય તેવી શેર મૂડીની ચૂકવણી

*  પોતાની પેટા કંપનીઓ, જૂથ કંપની, સંલગ્ન કંપની સહિત કોઇપણ એન્‍ટીટીને વેચાણ અથવા લીઝ દ્વારા જગ્‍યા અધિકારીની પૂર્વ મંજૂરી વિના ટ્રાન્‍સફર થઇ શકશે નહીં

*        વપરાશ કરેલી FSIના ૫૦% જેટલું લઘુતમ પાર્કિંગ

(11:00 AM IST)