News of Saturday, 5th October 2024
ગાંધીનગરના માણસામાં મેડીકલ કોલેજ બનાવાશેઃ ડીસેમ્બર સુધીમાં ખાતમુહૂર્તઃ અમિતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગાંધીનગરના માણસામાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ઉદ્દઘાટન પ્રસંગે અમિતભાઇ શાહ, ઋષિકેશ પટેલ, જે.એસ.પટેલ, શિલ્પાબેન પટેલ, મયંક નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર,તા. ૫: મારા સંસદીય મત વિસ્તારમાં વિકાસના કામો થાય તો સંસદ સભ્ય તરીકે મને આનંદ થાય, પરંતુ માણસામાં વિકાસના કામો થાય તો આનંદ નહીં પરંતુ માણસાનો પુત્ર હોવાથી મને તેનો સંતોષ થાય છે. આગામી ડિસેમ્બર માર્ચ સુધીમાં માણસા ખાતે મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરવામાં આવશે તેવું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી એ માણસા ખાતે વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવતા જણાવ્યું હતું
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, માણસાના નાગરિકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે ગુજરાત સરકારે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે ૪૨૫ બેડ ની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવાની છે. આ હોસ્પિટલ આવનારા ૨૫ વર્ષ સુધી માણસાના નાગરિકોને સ્વાસ્થ્યને લગતી તમામ જરૂરીયાતો પૂરી કરશે તેની સાથે સાથે માણસા નગરપાલિકાના વિવિધ રૂ. ૩૨૯ કરોડના કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ થયું છે.
કેન્દ્રીય મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, માણસામાં આવતા ડિસેમ્બર પહેલા મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કાર્ય કરવામાં આવશે આ મેડિકલ કોલેજ માણસા ની સાયન્સ કોલેજના સંકુલમાં બનાવવામાં આવશે.માણસાની હોસ્પિટલ અડધી બનશે ત્યાં સુધી કોલેજ બનાવવાનું પણ કામનો આરંભ થશે.
તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બારીકાઈથી અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે દેશના નાગરિકો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવી છે. તેમણે સ્વચ્છતા અભિયાન શરૂ કરી ૨૦ જેટલા સામાન્ય રોગો દૂર કર્યા છે. દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી આપીને નાના મોટા રોગો દૂર કર્યા છે. ઘરે ઘરે શૌચાલય બનાવીને પણ રોગોને દૂર કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે. નાગરિકો આરોગ્ય પ્રત્યે જાગૃત બને તે માટે યોગને પ્રાધાન્ય આપ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માણસાના એક પણ નાગરિકને આરોગ્ય સેવા માટે અમદાવાદ કે ગાંધીનગર ના જવું પડે તેવા ઉંમદા આશયથી રૂ. ૨૪૪ કરોડના ખર્ચે અધ્યતન જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ હોસ્પિટલમાં કિડની, હૃદય જેવી અનેક અદ્યતન આરોગ્ય સુવિધાઓ આપવામાં આવશે. માણસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રાજયસભાના સાંસદ મયંક નાયક, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માણસાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
