<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

જાહેરમાં ઝગડતા યુગલને છોડાવવા ગયેલ રાવપુરા પોલીસ જવાન સાથે ગેરવર્તન :મહિલાએ જાતે જ કપડાં ફાડી નાંખ્યા

મહિલાએ પોલીસ જવાનની ખાખી વર્દી ફાડી નાંખીને તેમને ધક્કો મારીને પાડી દીધો: દાંડિયા બજાર સ્થિત જય ગુરુદેવ હોટલ નજીક હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ આખરે પોલીસ દ્વારા બન્નેની અટકાયત

વડોદરા : નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માથાકૂટ થતી રોકવા ગયેલી રાવપુરા પોલીસને કડવો અનુભવ થયો હતો. જેમાં ફરજ પર હાજર પોલીસ જવાન સાથે એક મહિલાએ માથાકૂટ કરીને અશોભનીય વર્તન કર્યું હતુ. આટલું જ નહીં, મહિલાએ જાતે જ પોતાના કપડાં ફાડીને બૂમાબૂમ કરી મૂકી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. આ સમયે કંટ્રોલરૂમમાંથી વર્ધી મળી હતી. જો કે દાંડિયા બજાર વિસ્તારમાં એક મહિલા અને એક પુરુષ જાહેરમાં ઝઘડો કરી રહ્યા છે. આથી નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી PCR દાંડિયા બજાર સ્થિત જય ગુરુદેવ હોટલ નજીક પહોંચી હતી. જ્યાં એક મહિલા અને પુરુષ જાહેરમાં ઝઘડી રહ્યા હતા.

PCR વાનના સ્ટાફ દ્વારા બન્નેને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઝઘડી રહેલ યુગલે પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુ. જેમાં મહિલાએ પોલીસ જવાનની ખાખી વર્દી ફાડી નાંખીને તેમને ધક્કો મારીને પાડી દીધો હતો.

આ હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ આખરે પોલીસ દ્વારા બન્નેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથે ગેરવર્તણૂંક કરનારની ઓળખ મહોમ્મદ હુસૈન શેખ અને મિશબાહ શેખ તરીકે થઈ છે. જેમના વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(5:51 PM IST)