<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

સુરત SOG પોલીસનું ઓપરેશન :અનંતનાગના ખીણ વિસ્તારમાંથી 19 વર્ષથી ફરાર ડ્રગ્સ માફિયાને ઝડપ્યો

કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 1 લાખનો દંડ કર્યો હતો

સુરત SOG પોલીસની ટીમે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના આંતરિયાળ ખીણ વિસ્તારમાંથી નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા ડ્રગ્સ માફિયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેર SOG પોલીસે સુરત શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિકસના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીની માહિતી એકઠી કરી, તે ડેટાને એનાલીસિસ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2006માં દિલ્હી NCB અને સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા રેલ્વે મારફતે જમ્મુ -કશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહીત ત્રણ આરોપીઓને 10.25 લાખની કિંમતના 10.250 કિ.ગ્રા. હાઈપ્યોરીટી ચરસના જત્થા સાથે સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 1 લાખનો દંડ કર્યો હતો

આ ગુનામાં પકડાયેલા આરોપીઓને ચરસનો જત્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આંતકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હોય અને જે-તે સમયે પોલીસ તેને શોધવા વતન પણ ગઈ હતી. જો કે ત્યાં આતંકવાદી હુમલાના ભય અને ત્યાંની ભોગૌલિક પરિસ્થિતિથી અજાણ હોય જેથી પોલીસને ચકમો આપી આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો અને આરોપી હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નહતો.

 

આ દરમ્યાન સુરત SOG પોલીસને આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગના ખીણ વિસ્તારના એક ગામડામાં છુપાઈને રહેતો હોવાની બાતમી મળી હતી. આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંની પરિસ્થિતિથી વાફેક થઇ હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે, અનંતનાગ વિસ્તારમાં અવાર નવાર આતંકવાદી હુમલાઓ બનતા હોય અને આ વિસ્તારમાં ઓપરેશન પાર પાડવું મુશ્કેલ હોય. જેથી આ બાબતે કાશ્મીર લોકલ એસઓજી પોલીસનો સંપર્ક કરી સુરતથી એસઓજી પોલીસની એક ટીમ મિશન કાશ્મીર હાથ ધરી ત્યાં પહોંચી હતી

SOG પોલીસની ટીમ સુરતથી 1800 કિમીનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબહેરા ખાતે પહોંચી, ત્યાના વિસ્તારથી વાકેફ થઈ હતી. જેમાં જણાય આવ્યું હતું કે આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તાર અનંતનાગ જિલ્લાના આતંકવાદી હુમલા માટેનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય અને ચાર વર્ષ પહેલા આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારના બીજાબહેરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આંતકવાદી સાથેની મુઠભેડમાં શહીદ થયા હતા. આથી આરોપીને પકડવા માટે કશ્મીરની અનંતનાગ જિલ્લાની પોલીસની મદદ લઇને આરોપીને ઝડપી પાડવા એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને આરોપી નિશાર અહેમદ ગુલામનબી દારને ઊંઘતો હતો, ત્યારે જ પોલીસે ઝડપી પાડ્યો હતો

આરોપીને સુરત લાવી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ખાતેથી હાઈ પ્યોરીટી ચરસ આવતું હોય અને આ ચરસની ડીમાન્ડ આખા ભારતમાં હોવાથી તે અલગ અલગ રાજ્યોમાં ચરસ સપ્લાય કરતો હતો. વર્ષ 2006માં તેણે 10 કિલોથી વધુ ચરસ ગજરાતના સુરતના વેપારીઓને વેચાણથી આપ્યું હતું. આ ચરસ પકડાઈ જતા જે-તે સમયે સુરત શહેર પોલીસ તેને શોધવા અનંતનાગ તેના વતન ખાતે આવી હતી, પરંતુ તે પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો

વધુમાં આ ગુનામાં પકડાયેલા અન્ય આરોપી રાજેશ ઉર્ફે વિક્કી કિશનલાલ ખત્રીને આ ગુનામાં 10 વર્ષની સજા થઇ હતી. જે ગુનામાં તે સજા કાપીને વર્ષ 2017માં છૂટ્યો હતો અને ફરી નાર્કોટિક્સની પ્રવુતિ ચાલુ કરતા સુરત શહેર એસઓજી પોલીસે તેને 811 ગ્રામ ચરસના જત્થા સાથે ઝડપી પાડ્યો હતો અને આ ગુનો નામદાર કોર્ટમાં ચાલી જતા આરોપીને 15 વર્ષની સખ્ત સજા તથા 1.50 લાખના દંડની સજા કરવામાં આવી હતી

(6:08 PM IST)