<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતનો ગ્લોબલ ગરબો મન મૂકીને ઘુમ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ગુજરાતનો ગ્લોબલ ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રિ પર્વ આવે એટલે ખેલૈયામાં નવું જોશ ઉત્સાહ, ઉમંગ, આનંદ છલકાઈ જાય છે. મા નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રિ શક્તિ પર્વની ઉજવણીમાં અબાલવૃદ્ધ-યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબે માની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે. નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વને ધામધૂમથી ઉજવે છે. તેમાં ગુજરાત સરકાર પણ સક્રિય રીતે સહભાગી થઈને આ લોક ઉત્સવને હર્ષભેર વધાવે છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૪ની ઉજવણી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તેમજ ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં તા.૫ અને ૬ ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ પાસે વ્યુપોઇન્ટ-૧ ખાતે નર્મદા જિલ્લામાં ગઈકાલે એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલ દ્વારા જગતજનની માં અંબાની છબી સમક્ષ માંડવડીમાં આરતી ઉતારી આ ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, એકતા ગરબા મહોત્સવ જેની થીમ “રાષ્ટ્રીય એકતા માટે ગરબા” રાખવામાં આવી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાઅ કર્મયોગીઓએ એકતા નો સંદેશ આપતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા આ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યુવાનો, મહિલાઓ સહપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતાં.

આ કાર્યક્રમનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફેસબુક પેજ ઉપર  જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ અને કેમેરા ફોટોગ્રાફી તેમજ રોશનીથી મંડપને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો તેમજ સરદાર સરોવર ડેમ ઉપર ત્રિરંગા લાઈટથી સમગ્ર ડેમ નર્મદા મૈયાના ખળખળ વહેતા જળ અને રોડ-રસ્તા ઉપર લાઈટની રોશનીથી ઝળહળી ઉઠ્યા હતાં.

(1:04 AM IST)