News of Tuesday, 8th October 2024
ખાનકાહમાં આવતા તમામ સમાજના લોકો ના લીઘે ભાઈચારાની સાથોસાથ એક્તાની ભાવના વધુ પ્રબળ બને છે : પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન રિફાઇ સાહેબ
દેશમાં તમામ તહેવારો ભાઇચારાની ભાવના સાથે કોમી એખલાસથી સૌંહાદભર્યા વાતાવરણમાં ઉજવાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરતાં રિફાઇ સાહેબ:પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબ (રહે.) ના ૧૮૪ માં ઉર્સ-શરીફની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન :લાખોની મેદનીમાં શ્રધ્ધાળુઓનું ઉમટેલુ માનવ પૂર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:વડોદરા શહેર-દાંડીયા બજારમાં ખાનકાહે-આલિયા રિફાઈયા ખાતે પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૪ માં ઉર્સ-શરીફની થયેલી ત્રિદિવસીય ઉજવણીના સમાપન પ્રસંગે ખાનકાહે-આલિયા રિફાઈયાનાં સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબના જણાવ્યા મુજબ, ખાનકાહમાં આવતા તમામ ધર્મ જ્ઞાતિ-સમાજના-લોકો શ્રધ્ધાળુઓની પારસ્પરિક લાગણી-પ્રેમ-સદભાવના-નિકંટતાને લીઘે ભાઈચારો વધુ કેળવવાની સાથોસાથ એક્તાની ભાવના વધુ પ્રબળ બને છે. દેશમાં તમામ તહેવારો ભાઇચારાની ભાવના સાથે કોમી એખલાસથી સૌંહાદભર્યા વાતાવરણમાં ઉજવાતા રહે તેવી રિફાઇ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. વિકાસની દિશામાં અવિરત આગેકુચ કરી રહેલા આપણા ભારતના પ્રત્યેક દેશવાસીઓ ખભેખભા મિલાવીને દિલી સહિષ્ણુતાની ભાવના સાથે આપણો ભારત સમૃધ્ધિના સર્વોચ્ચ શિખરો સમેત વિશ્વના દેશોમાં દેશ ગૌરવવંતુ સ્થાન જરૂરથી હાંસલ કરશે જ, તેવી ખાસ દુવા તેમણે સૈયદ ફખરૂદ્દીન રિફાઈ સાહેબના વસીલાથી પાક પરવરદિગારની બારગાહમાં ગુજારી હતી.
સૈયદ કમાલુદ્દીન રિફાઈ, સૈયદ મોઈનુદ્દીન રિફાઈ (નૈયરબાબા), મૌલાના સૈયદ હિસામુદ્દીન રિફાઈ તેમજ ખાસ મહેમાનો અને અકીદતમંદોની હકડેઠઠ મેદનીને આશિર્વચન પાઠવ્યા હતા. સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબના જણાવ્યા મુજબ, ખાનકાહે રિફાઈયા ખાતે તમામ કૌમ અને ધર્મના લોકો અતૂટ શ્રધ્ધા અને આસ્થા સાથે આવે છે. એટલે આ ઉર્સ “એકતાનું બેનમુન પ્રતિક“ છે અને અહીં આવનારા તમામ લોકોની મન્નત - મુરાદો પરિપૂર્ણ થાય છે. આપણો ભારત દેશ વર્ષોથી ખુબજ પ્યારો છે અને અહીંના લોકો પણ એટલા જ પ્રેમાળ છે. દેશવાસીઓની આ ભાવના બરકરાર રહે બલ્કે તે વધુ મજબુત બને તેવી ખુદા તઆલાની બારગાહમાં રિફાઇ સાહેબે ગુજારીશ કરી હતી. આ ખાનકાહમાં હિન્દુ-મુસ્લિમ–શિખ–ઈસાઈ–પારસી સહિત તમામ સમાજના શ્રધ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે આવે છે અને દુવાઓ લઈને ખુશીથી જાય છે. જેથી આ ખાનકાહ એકતાનું બેમિસાલ મરકઝ (મુખ્ય મથક) પ્રસ્થાપિત થયું છે.
ખાનકાહે-આલીયા રિફાઈયાના સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબની ઝેરે સદારતમાં યોજાયેલા કુરાનખ્વાની, ઝિક્રે રિફાઈયા, સંદલમાલી, સીઝરા શરીફ, મિલાદ શરીફ, ઝર્બ સાથે રાતીબે રિફાઈના જલ્સા ઉપરાંત મહેફીલે સમા-કવ્વાલીના કાર્યક્રમ તેમજ કુલ શરીફની રસ્મ અદાયગીની સાથે ઉર્સની દબદબાભેર ઉજવણી સંપન્ન થઈ હતી. આ ઉજવણીમાં મિલાદ શરીફ પ્રસંગે આં-હઝરત મોહંમદ (સ.અ.વ.) સાહેબના બાલ મુબારકની ઝિયારતની સાથે સૈયદ જૈનુલ આબેદીન રિફાઈ સાહેબ દ્વારા હસ્તલિખીત કુર્આન શરીફ અને સૈયદ બદરૂદ્દીન રિફાઈ સાહેબના તાજ મુબારકની ઝિયારત કરી અકીદતમંદોએ સર્ફ હાંસીલ કર્યો હતો. આ પ્રસંગે ખાનકાહના સજજાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબના હસ્તે ખાનકાહ માટે ખિદમતગુજાર કેટલાક ચુનંદા ખિદમતગારોને પણ પરંપરાગત સાફો બાંધીને ખિલાફત અને ચાઉસીથી નવાઝાયા હતા. અને ખિલાફતની સનદો તથા મેડલ અર્પણ કરીને સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબના હસ્તે તેમનું સન્માન કરાયું હતુ. તદઉપરાંત આ ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર ખાસ મહેમાનો-મહાનુભાવોનું પણ પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબે સાલ ઓઢાડી પુસ્પગૃચ્છથી સન્માન કર્યુ હતું.
રાતીબે રિફાઈના જલ્સામાં રજુ થયેલા ઝર્બના હેરતભર્યા પ્રયોગો અને લોખંડની ધગધગતી આગવાળી સાંકળને તેલમાં તળબોળ કરેલા આગથી સ્પર્શવાના (લંગરના) પ્રયોગોએ તો ઉપસ્થિત શ્રધ્ધાળુંઓમાં ભારે અચરજ પમાડવાની સાથે તેમને આશ્ચર્યચકીત કરી દીધા હતા. દેશ-વિદેશ તેમજ ગુજરાત ઉપરાંત દુર-સુદુરના અન્ય રાજયોના મુરીદો, અકીદતમંદો, અનુયાયીઓ-શ્રધ્ધાળુઓએ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહીને ફૈઝ હાંસીલ કર્યો હતો. આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ તંત્ર અને જિલ્લા પ્રશાસન તરફથી મળેલા સહકાર બદલ (સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઇ) સજજાદાનશીન, ખાનકાહે રિફાઇયા, વડોદરા નાઓ એ હૃદયપુર્વક આભારની લાગણી વ્યકત કરી હતી
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
