<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ઓ બાપ રે...જલેબી - ફાફડા બનાવવાની એક દિવસની મજૂરી ૪૦ થી ૫૦ હજાર રૂપિયા ?

વેપારીઓને ફાફડા-જલેબી બનાવવાવાળા કુશળ કારીગરો વેપારીઓને શોધ્‍યા મળતા નથી અને એટલે જ દશેરાના દિવસે ફાફડા-જલેબીના ભાવ જ નહિ, ફાફડા-જલેબી બનાવનારા કારીગરો પણ ભાવ ખાય છે

અમદાવાદ, તા.૯: આમ તો દશેરાના દિવસે ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવાની વર્ષો જૂની પરંપરા છે. એટલે જ દશેરાના દિવસે ફાફડા-જલેબીના ભાવ સાતમા આસમાને પહોંચે છે. પરંતુ વાત અહીં ફાફડા-જલેબી બનાવવાવાળા કુશળ કારીગરોની છે. ખૂબ આશ્‍ચર્યની વાત છે કે, સામાન્‍ય દિવસોમાં જે ફાફડા-જલેબીના કારીગરોનો વેપારીઓ ભાવ પણ પૂછતા નથી એ વેપારીઓને ફાફડા-જલેબી બનાવવાવાળા કુશળ કારીગરો વેપારીઓને શોધ્‍યા મળતા નથી અને એટલે જ દશેરાના દિવસે ફાફડા-જલેબીના ભાવ જ નહિ, ફાફડા-જલેબી બનાવનારા કારીગરો પણ ભાવ ખાય છે. તેઓની એક દિવસની મજૂરી ૪૦થી ૫૦ હજાર રૂપિયા પહોંચી જાય છે.

માં આધ્‍યશક્‍તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહી છે અને આસુરી શક્‍તિ પર દૈવી શક્‍તિના વિજયનું -તિક એવી વિજયાદશમી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. જેને લઈને ફરસાણના વેપારીઓએ તૈયારીઓ અત્‍યારથી જ આરંભી દીધી છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ છે એટલે વર્ષોથી સામાન્‍ય દિવસ કરતાં વધારે ફાફડા-જલેબી ઝાપટી જાય છે. સામાન્‍ય દિવસો કરતાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદમાં શહેરીજનો આરોગી જતા હોય છે. ફરસાણની દુકાનો પર ફાફડા-જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો લાગે છે.

ફરસાણના એક વેપારીએ આ અંગે જણાવ્‍યું કે, ફાફડા અને જલેબીના ભાવ આડા દિવસ કરતાં દશેરાએ વધારે હોય છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ ફાફડા-જલેબીના ભાવ પર અસર થતી હોય છે. પરંતુ તેનાથી પણ મોટી વાત એ છે કે, દશેરાના દિવસ માટે ફાફડા અને જલેબી બનાવનારા કારીગરો ઝડપથી મળતા નથી અને તહેવાર સિવાયના દિવસોમાં સામાન્‍ય મજૂરી લઈને કામ કરતા કારીગરો દશેરાના દિવસે ૨૪ કલાક ફાફડા-જલેબી બનાવવાની મજૂરી ૪૦થી ૫૦ હજાર હોય છે. તેઓએ માત્રને માત્ર ફાફડા અને જલેબી પાડીને ઉતારવાનું કામ કરવાનું હોય છે. લોટ બાંધવાથી માંડીને અન્‍ય નાનું-મોટું કામ કરવા માટે અમારે અલગથી મજૂરો રાખવા પડતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે બિલાડીના ટોપની જેમ ફરસાણના વેપારીઓ ફૂટી નીકળે છે. ઠેર ઠેર મંડપ લગાવીને ફાફડા અને જલેબી વેચાણ માટે લાગી જતા હોય છે. એટલે લોકો માટે દશેરાએ ફાફડા-જલેબી ખાવાનું મહત્‍વ છે જ પણ વેપારીઓ માટે તેથી ય વિશેષ મહત્‍વના તે દિવસે મળતા કારીગરો છે.(૨૩.૨૬)

(3:56 PM IST)