<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

દશેરાએ ફાફડા - જલેબીનો સ્‍વાદ ફિક્કો લાગશે

મોંઘવારીનો માર...તેલ, બેસન અને ખાંડના ભાવ ઉછળતા ઉજવણી મોંઘી થશે ફાફડા ૪૪૦ થી ૫૦૦ રૂપિયે કિલો અને જલેબીનો રૂ.૩૦૦ થી વધુનો ભાવ થતાં ઓર્ડર ઘટયા

સુરત, તા.૯: આ વખતે દશેરાની પરંપરાગત ઉજવણીને પણ મોથવારી નડશે. આ વર્ષે સુરતીઓને ફાફડા-જલેબીના સ્‍વાદનો ચટાકો મોંઘો પડશે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેલ, બેસન, અજમો અને ખાંડ સહિતની સામગ્રીના ભાવ તબક્કાવાર વધવા સાથે કારીગરોની મજૂરી પણ વધતાં દશેરાના રિવાજ બનેલા ફાફડા- જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળશે.

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા વર્ષોથી છે. ઘણી ફરસાણની દુકાનોમાં હમણાંથી ફાફડાનો સ્‍ટોક કરવાનો શરૂ કરી દેવાયો છે. જોકે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ભાવ વધારાને લીધે સુરતીઓને ફાફડાના ભાવ દઝાડશે ને જલેબીનો સ્‍વાદ ફિક્કો લાગશે. ગોપીપુરામાં ફરસાણની દુકાન ધરાવતા ગિરીશ પટેલે જણાવ્‍યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન ફાફડા-જલેબી બનાવવા વપરાતી તમામ સામગ્રીના ભાવ તબક્કાવાર વધી ચૂકયા છે. ફાફડા બનાવવા મોટે ભાગે કપાસિયા તેલનો ઉપયોગ થાય છે. ગત વર્ષે તેલના ૧૫ કિલોના ડબ્‍બાનો ભાવ રૂ. ૧૭૦૦થી ૧૮૦૦ જેટલો હતો. તેનો ભાવ આ વર્ષે રૂ. ૨૨૦૦થી ૨૩૦૦ સુધી પહોંચી ગયો છે. એ જ રીતે ગત વર્ષે બેસનના લોટની ૫૦ કિલોની ગુણનો ભાવ રૂ. ૩૫૦૦ જેટલો હતો. આ વર્ષે બેસનના લોટની ૫૦ કિલોની રૂ. ૫૦૦૦ના આસપાસ મળી રહી છે. ખાંડની ગૂણમાં પણ રૂ. ૨૦૦ જેટલો વધારો થયો છે. વેપારીઓનું એમ પણ કહેવું છે કે, ઈધણના ભાવમાં

વધારો થવા સાથે કારીગરોની મજૂરી પણ વધી છે. ગત વર્ષે જે કારીગરોને -તિદિન રૂ. ૭૦૦નો પગાર અપાતો હતો તે કારીગરોને આ વર્ષે રૂ. ૧,૦૦૦ સુધીનો પગાર આપવો પડી રહ્યો છે. આમ, એક પછી એક તમામ ચીજવસ્‍તુના ભાવ વધ્‍યા હોય આ વર્ષે ફાફડા- જલેબી મોંઘી વેચાશે. ગત વર્ષે ફાફડા ૪૦૦ રૂપિયે કિલો વેચાયા હતા, તેનો ભાવ આ વર્ષે રૂ. ૪૪૦થી ૫૦૦ સુધીનો રહેશે. જ્‍યારે ગત વર્ષે કિલોના રૂ. ૨૬૦ના ભાવથી વેચાયેલી જલેબી આ વર્ષે ૩૦૦ રૂપિયા સુધીના ભાવથી વેચવામાં આવશે. ગુણવત્તામાં બાંધછોડ નહીં કરનારા દુકાનદાર બજારભાવ મુજબની કિંમત લેતા હોય છે.

હવે રૂ.૩૦ થી ઓછાનો નાસ્‍તો મળતો નથી

ફરસાણ બનાવવામાં વપરાતી ચીજવસ્‍તુના ભાવ સતત વધી રહ્યા છે. જેને લીધે ફરસાણના ભાવ પણ વધી ગયા છે. એક સમયે ફરસાણની દુકાનો પર પાંચ-દસ રૂપિયામાં નાસ્‍તો મળી જતો હતો. સમય જતા આ ભાવ રૂ. ૨૦ સુધી પહોંચ્‍યો હતો. ત્‍યારબાદ હવે ફરસાણની દુકાનો પર રૂ. ૩૦થી ઓછાનો નાસ્‍તો મળતો નથી. ઘણી જગ્‍યાએ રૂ. ૩૦ ઓછો નાસ્‍તો મળશે નહીં એવા પોસ્‍ટર પણ લગાડવામાં આવે છે.

(4:42 PM IST)