<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રાજપીપળા નગરપાલિકા કમ્પાઉન્ડમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમા અમદાવાદથી આવેલ મહિલાને તાત્કાલિક જન્મનો દાખલો મળતા પરિવારજનો ખુશ, સરકારનો આભાર માન્યો

જોકે આ સેવા સેતુ કાર્યક્રમમાં આધારકાર્ડનું ટેબલ ખાલી રહેતા લોકો નારાજ જોવા મળ્યા: આમપણ લોકો હાલની સ્થિતિમાં સૌથી વધુ આધાર કાર્ડ માટે જ દોડતા જોવા મળે છે: નગરપાલિકા પર વહેલીતકે બંધ કરાયેલું આધાર કેન્દ્ર શરૂ કરાય તેવી લાભાર્થીઓની માંગ

(ભરત શાહ દ્વારા)રાજપીપળ:રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા વિભાગ દ્વારા “સેવા સેતુ" કાર્યક્રમ શહેરી ના દસમાં તબક્કાનું આયોજન કરવા કરવામાં આવ્યું જેમાં રાજપીપળા નગરપાલિકા કમ્પાઉન્ડ માં પણ
સેવા સેતુ” કાર્યક્રમ (શહેરી) દસમો તબક્કાનું આયોજન સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી કરવામાં આવ્યું હતું, જેના પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા સહિત રાજપીપળા નગર પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા.
   આ સેવા સેતુ કાર્યક્રમમાં છેક અમદાવાદથી આવેલા એક મહિલાને જન્મના દાખલની જરૂર હોવાથી પાલિકા કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર જ દાખલો કાઢી આપતા આ મહિલા અને સાથે આવેલા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી અને સરકારના આ કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો. સાથે સાથે આરોગ્ય વિભાગમાંથી આવેલા અર્બન સેન્ટરના ડોકટર અને તેમની ટીમ દ્વારા બીપી, સુગર જેવા ટેસ્ટ કરી જરૂરી દવાઓ વિનામૂલ્યે આપતા ઘણા લોકો એ તેનો લાભ લીધો હતો.
   હાલમાં સૌથી વધુ જરૂરી એવા આધારકાર્ડ અપડેટ માટે ત્યાં ટેબલ તો મૂકવામાં આવ્યું હતું પરંતુ આધારકાર્ડ માટેનો કોઈજ સ્ટફા ત્યાં નહિ આવતા ઘણા લાભાર્થીઓ ધક્કો ખાઈ નિરાશ થઈ પરત ફર્યા હતા. સરકારના આ કાર્યક્રમ માં આધારકાર્ડ જેવી જરૂરી સુવિધા પણ લાગતા વળગતા અધિકારીઓ એ આ સેવા સેતુ માં પૂરી નહિ કરતા લોકો નારાજ જોવા મળ્યા હતા.
 રાજપીપળા નગરપાલિકા કચેરીમાં ભૂતકાળમાં આધારકાર્ડ માટેનું સેન્ટર ખુલ્લું મુકાયું હતું ત્યાં ગામના અસંખ્ય લોકો સુધારા વધારા માટે આવતા હતા અને આ સેન્ટરનો લાભ લેતા હતા પરંતુ આધારકાર્ડ કીટ માટેનું આયોજન કરવા બાબતે જે તે અધિકારીઓની કામગીરી ઢીલી હોય એમ હાલમાં લાંબા સમયથી પાલિકા ખાતેનું આધાર કેન્દ્ર બંધ છે. તો એ વહેલીતકે શરૂ કરાઇ તેવી લાભાર્થીઓ ની માંગ છે

(11:49 PM IST)