<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

હાલોલમાં પોક્સોના ગુનાના આરોપીએ કોર્ટ પરિસરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ

આરોપીને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર

હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ પર આવેલ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આજે બપોરના સમયે મુદ્દત ભરવા આવેલા આરોપીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઈ હતી. હાલ આરોપીને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અજયભાઈ જાદવ નામના યુવક પર સગીરાની છેડતી કરવાની ફરિયાદ અંતર્ગત પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી જામીન પર બહાર હોવાથી મુદ્દત ભરવા માટે કોર્ટમાં આવ્યો હતો.

આ દરમિયાન આરોપીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે અજયને તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવારની જરૂર જણાતા આરોપીને વડોદરા રિફર કરવામાં આવ્યો છે.

હજુ સુધી આરોપીએ ક્યા કારણોસર તેમજ કેવા પ્રકારની ઝેરી દવા પીધી? તે અંગેની ચોક્કસ માહિતી મળી નથી. હાલ તો હાલોલ પોલીસ મથકે વર્ધી નોંધાતા હાલોલ રૂરલ પોલીસે બનાવ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

(12:30 AM IST)