<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

વડોદરાના માંજલપુર પોલીસને મોટી સફળતા :10 જેટલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો : રૂ. 4.30 લાખનો મુદ્દામાલ કબજે

આરોપી વિજય પઢીયારે છેલ્લા 6 મહિનામાં ફતેગંજ, સયાજીગંજ અને માંજલપુર વિસ્તારમાંથી બીજા 10 બાઈક અને એક્ટિવાની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું

વડોદરા : માંજલપુર પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે રીઢા વાહનચોરને ઝડપી પાડીને રૂ. 4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ 10 જેટલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

માંજલપુર પોલીસ મથકની ટીમે કલ્યાણબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગમાં પાર્ક કરેલ અપાચી ટુ-વ્હીલર પર બેસી બાઇકનું સ્ટીયરિંગ હલાવતો ઈસમ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરીને કાગળો માંગ્યા હતા. જેમાં તેનું નામ વિજય પઢીયાર હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે આ અપાચી બાઈક તેણે અલવાનાકા ખાતેથી ચોરી કહ્યું હોવાની કબૂલાત કરી હતી.

 

વિજય પઢીયારે છેલ્લા 6 મહિનામાં ફતેગંજ, સયાજીગંજ અને માંજલપુર વિસ્તારમાંથી બીજા 10 બાઈક અને એક્ટિવાની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતુ. આથી પોલીસે આરોપી પાસેથી રૂ.4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વાહન ચોરીના 10 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

પોલીસની પૂછપરછમાં આરોપી વિજય પઢીયાર આઠમાં ધોરણ સુધી ભણેલો છે અને ખેતી કામ કરતો હતો.જો કે આ કામમાં ઓછું મહેનતાણું મળતુ હોવાથી પોતાના મોજશોખ પૂરા કરવા તે વાહન ચોરીના રવાડે ચડી ગયો હોવાનું સામે આવ્યું છે

(11:17 PM IST)