<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ગાંધીનગરના રૂપાલમાં રાત્રે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી:ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

વહેલી સવારે પલ્લીયાત્રા બાદ વરદાયિની માતાની વિશેષ પૂજા: દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા

ગાંધીનગરના રૂપાલમાં નોમની રાત્રે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. પલ્લીયાત્રામાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરંપરા મુજબ મધરાતે રૂપાલ ગામના મધ્ય વિસ્તારમાંથી પલ્લી યાત્રાની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે પલ્લીયાત્રા બાદ વરદાયિની માતાની વિશેષ પૂજા કરવામાં આવી હતી

   પલ્લીયાત્રા દરમિયાન ભક્તો દ્વારા શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રૂપાલમાં ઘી ચઢાવવાની વર્ષોથી ચાલતી પરંપરા છે. ઘી ચઢાવવાની માનતા દર્શનાર્થીઓ રાખતા હોય છે.

આ વર્ષે રૂપાલ ગામમાં નીકળેલી પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો છે. મળતી માહિતી પ્રમાણે પલ્લી ઉત્સવમાં 4 લાખ લિટરથી વધુ ઘી અર્પણ કરાયું છે. માનતાના ભાગ રૂપે પણ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો. શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 12 લાખથી વધુ ભાવિકોએ રૂપાલની પલ્લીના દર્શન કર્યા. મંદિર ઉપરાંત ગામમાં 24 સ્થળોએ માતાની પલ્લી રોકાઈ હતી.

ઉલ્લેખનીય છે કે રૂપાલ ગામે પલ્લીની આ પ્રથા મહાભારત કાળથી ચાલતી આવે છે. દંતકથા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસમાં જતા પહેલાં તેમના શસ્ત્રો છૂપાવ્યા હતા  અને તે માટે તેમણે દેવીનું આહ્વાન કર્યું હતું. વરદાયિની માતાએ પ્રગટ થઈ પાંડવોને વરદાન આપ્યું હતું કે તેમનો અજ્ઞાતવાસ નિર્વિઘ્ને પાર પડશે. તો સામે પાંડવોએ પણ સંકલ્પ કર્યો હતો કે શારદીય નવરાત્રીની નવમી રાત્રે તેઓ વરદાયિની માતાના રથને બહાર કાઢીને ઘીનો અભિષેક કરાવશે. માન્યતા અનુસાર તે સમયથી આ પરંપરા ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ માનતાના ભાગ રૂપે પણ વરદાયિની માતાને ઘી અર્પણ કરે છે. ખાસ તો બાળકોને પણ પલ્લીના આશીર્વાદ લેવડાવે છે.

(11:46 AM IST)