<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ગુજરાતમાં ડીજીટલ સુવિધાના ધાંધીયાઃ સાયબર છેતરપીંડીની ૧.૨૧ લાખ ફરીયાદો

સ્‍કોલરશીપ માટે માત્ર ૩૦ ટકા છાત્રોના જ ઇ-કેવાયસી થઇ શકયા ગુજરાતીઓના ૬૫૦ કરોડ લૂંટાયાઃ મનીષ દોશીના પ્રહારો

અમદાવાદ,તા. ૧૪: ડીજીટલ ગુજરાતની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં નાગરીકોને અટકાવવું-લટકાવવું અને ભટકાવવાની નીતિને લીધે લાખો પરિવારો તેમને મળવા પાત્ર લાભોથી વંચિત રહે છે અને મોટાભાગના કિસ્‍સામાં એજન્‍ટો દ્વારા લુંટાઈ રહ્યા છે ત્‍યારે ગુજરાતના નાગરિકોને ડીજીટલ સુવિધા અને સુરક્ષા આપવામાં ભાજપ સરકારને નિષ્‍ફળ ગણાવી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા કન્‍વીનર અને પ્રવક્‍તાશ્રી ડો.મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે  ડીજીટલ ગુજરાતમાં ‘સર્વર'હાલતા-ચાલતા ડાઉન થઇ જાય છે. ડીજીટલ ગુજરાત સ્‍કોલરશીપ માટેના પોર્ટલમાં ઈ-કેવાયસીના નામે ગુજરાતના લાખો વિધાર્થીઓને સ્‍કોલરશીપ વંચિત રહેવું પડે તેવી પરીસ્‍થિતિનું નિર્માણ થયું અને પ્રથમ સત્ર પૂરું થવા આવ્‍યું છતાં માત્ર ૩૦ ટકા વિધાર્થીઓ જ ઈ-કેવાયસી કરી શકાય છે. ૭૦ ટકા વાલી-વિધાર્થીઓ હજુ પણ મુશ્‍કેલીનો સમાનો કરી રહ્યા છે.

રેશનકાર્ડ માટે તથા ઓનલાઈન ચકાસણી અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મળવા પાત્ર અનાજ, ચોખા ઘઉં, ખાંડ, ખાદ્યતેલ, તુવેર દાળ, ચણા સહિત માટે ગુજરાતના ૩.૫૪ કરોડ નાગરીકો અવ્‍યવસ્‍થા અને અરાજકતાનો ભોગ બની રહ્યા છે. સરકારી સર્વર ન ચાલવાને કારણે ૩૦થી ૩૫ ટકા પરિવારો મળવા પાત્ર અન્ન સુરક્ષાના અધિકારથી વંચિત રહેવાની ફરજ પડી છે. બીજી બાજુ પોર્ટલમાં સોફટવેરના ખેલમાં સસ્‍તા અનાજના દુકાનધારકો, સરકારના મળતિયાઓ અને અનાજ માફિયા લાખો ગરીબોના મોં માંથી કોળિયો છીનવી રહ્યા છે. ખેડૂતોમાટેનું i-ખેડૂત પોર્ટલ મોટાભાગે ખેડૂતોને જયારે જરૂરિયાત હોય જેમ કે મળવા પાત્ર જુદા જુદા લાભો, ચોક્કસ મુદ્દતમાં યોજનાની અરજી દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે. ગુજરાત માં કોલેજ અને યુનિવર્સીટીમાં વિધાર્થીઓના પ્રવેશ માટેનું જીકાસ પોર્ટલ વારંવાર નિષ્‍ફળ જતા હજારો વિધાથીઓને સરકારી -ગ્રાન્‍ટેડ કોલેજોમાંથી ઓછી ફીમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેવું પડે છે.

સરકારના વિવિધ વિભાગની વેબસાઈટ ક્‍યારેક ડાઉન હોય અથવા માહિતી સમયસર અપડેટ થતી નથી. આવી સમસ્‍યા જીએમડીસી, જીઆઈડીસી, જીઈબી પ્રવાસન વિકાસધામ, સમાજ કલ્‍યાણ વિભાગ,પંચાયત, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસુલ, કૃષિ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ સહિતના મહત્‍વના વિભાગોમાં દર વર્ષે ડીજીટલાઈઝેશનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ તે નાણાનો ક્‍યાં ઉપયોગ થાય છે તે તપાસનો વિષય છે.તેમ ડો.મનીષ દોશી જણાવે છે.  

ભાજપ સરકારના રાજમાં સાયબર છેતરપીંડી દ્વારા એક વર્ષ(૨૦૨૩)માં જ ગુજરાતમાં ૧૨૧૭૦૧ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. સાયબર ગઠિયાઓ એ એક વર્ષમાં સાયબર છેતરપીંડીમાં ગુજરાતીઓ રૂપિયા ૬૫૦ કરોડના લૂટ્‍યા છે. સરેરાશ દર કલાકે ૧૩થી વધુ અને એક દિવસમાં સરેરાશ ૩૩૩થી વધુ સાયબર છેતરપીંડીના ગુન્‍હાઓ ગુજરાતમાં થઇ રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં દેશમાં ૧૧૨૮૨૬૫ સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. જેમાં ઉત્તરપ્રદેશ ૧૯૭૫૪૭ સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં ૧૨૫૧૫૩ સાથે બીજા અને ગુજરાતમાં ૧૨૧૭૦૧ ફરિયાદ સાથે ત્રીજા ક્રમાંકે છે.  ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે. તેમ મનીષ દોશીનો આક્ષેપ છે.

(3:35 PM IST)