<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે : ભુપેન્દ્રભાઈ પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય

વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી

રાજકોટ તા.૧૬ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને  મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની  રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

(1:38 PM IST)