<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

શરદ પૂર્ણિમા :૧૬ કળાઓથી પૂર્ણ ખિલેલો શરદ પૂનમનો ચંદ્ર

આ દિવસે શિવ-પાર્વતીના પુત્ર કાર્તિકનો જન્મ થયો હતો, એટલા માટે તેને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે

વડોદરા: જીવનમાં આનંદ, ઉત્સવ અને રાગનું પ્રતિક છે “શરદ પૂર્ણિમા”. આ બધું જીવનમાં ત્યારે જ શક્ય બને છે, જ્યારે તમે નિરોગી હોવ. શરદ પૂર્ણિમા આપણને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે નો દિવસ છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક અને સોળે કળાએ પૂર્ણ રીતે ખિલેલો હોય છે. તેના કિરણોથી પૃથ્વી પર અમૃત વર્ષા થતી હોય છે. એટલા માટે લોકો આ રાત્રિએ ખીર બનાવી ચંન્દ્રના પ્રકાશમાં મૂકે છે. જેથી તેમાં ચંન્દ્રમાંની સુધામણી કિરણોનો પ્રભાવ આવી જાય. શરદ પૂર્ણિમાને દિવસે જ શ્રીકૃષ્ણે “મહારાસ” રચ્યો હતો, એટલા માટે તેને “રાસ” પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

   એક કથા અનુસાર કૃષ્ણે રાસમાં સામેલ થવા દેવી પાર્વતીને નિમંત્રણ મોકલ્યું. પાર્વતીએ રાસમાં સામેલ થવા ભગવાન શંકરની આજ્ઞા માગી. કૃષ્ણના આ મહારાસ પ્રત્યે શિવ પણ મોહિત થયા અને તેઓ પણ પાર્વતી સાથે જવાનો નિર્ણય કર્યો. પરંતુ વૃંદાવન પહોંચતા જ ખબર પડી કે, આ મહારાસમાં કૃષ્ણ સિવાય અન્ય કોઈ પુરુષ સામેલ થઈ શકતો નથી, ત્યારે ભગવાન શંકરે ગોપીનું સ્વરૂપ ધારણ કરી આ મહારાસમા સામેલ થયા હોવાથી ભગવાન શંકર ગોપીશ્વર એટલે કે ગોપેશ્વર મહાદેવ પણ કહેવાય છે. એક માન્યતા એવી પણ છે કે, આ દિવસે શિવ-પાર્વતીના પુત્ર કાર્તિકનો જન્મ થયો હતો, એટલા માટે તેને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે જ અશ્વિની કુમારોને મહર્ષિ ચ્યવને ઔષધી-જ્ઞાન આપ્યું હતું. આ દિવસ સુયોગ્ય જીવનસાથી પામવાને માટે ચંદ્રમાની પૂજા કરવાનું વિશેષ વિધાન છે.

 

(12:14 AM IST)