<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ભાજપ સંગઠનની દ્રષ્‍ટિએ વોર્ડ-તાલુકાનું વિભાજન કરશેઃ પદાધિકારીઓની સંખ્‍યા વધશે

હાલ સરેરાશ ૩૮૦ બુથ દિઠ ૧ મંડલ છે તેના બદલે ૫૦ થી ૭૦ બુથના મંડલ બનાવાશેઃ સૌરાષ્‍ટ્રમાં નવા સંગઠન સીમાંકન માટે મોહનભાઇ અને પ્રદીપ ખીમાણીને જવાબદારી

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાતમાં ભાજપ દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાએથી મળેલ માર્ગદર્શન મુજબ નવા સંગઠન સીમાંકમની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની પ્રક્રિયા પાર્ટીના ઇતિહાસમાં પ્રથમ વખત થઇ રહી છે. તા. રપ ઓકટોબર સુધીમાં નવા સંગઠન સીમાંકનની માર્ગદર્શક બેઠકો પુરી કરવાની સૂચના છે. નવા સંગઠન સીમાંકનના કારણે સંગઠનની અને ચૂંટણી લડવાની કામગીરી સરળ બનશે. સંગઠનના માળખાના સ્‍થાનિક સ્‍તરે વિભાજનના કારણે અનેક કાર્યકરોને પદાધિકારી બનવાની તક મળશે. સંગઠનમાં નવા નેતૃત્‍વનો ઉદય થશે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોનું બે ભાગમાં વિભાજન થવાથી બે શહેર પ્રમુખ અને ત્રણ - ત્રણ મહામંત્રીઓ થશે.

હાલ રાજયમાં ચૂંટણી પંચની દ્રષ્‍ટિએ પ૧ હજાર જેટલા બુથ છે. સરેરાશ ૩૮૦ બુથથી એક વોર્ડ બને છ.ે ભાજપમાં શહેરમાં વોર્ડ અને તાલુકા કક્ષાએ મંડલ તરીકે ઓળખાતા માળખાની પુનઃ રચના હાથ ધરવામાં આવી છે. ૩૮૦ બુથના હાલના મંડલના બદલે ભાગ પાડીને સરેરાશ પ૦ થી ૭૦ બુથનું એક મંડળ (તાલુકો) અથવા વોર્ડ બનાવશે. દરેક મંડલમાં પ૦ થી ૭૦ હજાર મતદારો રહેશે. સરકારી ચોપડે જેટલા તાલુકા-જિલ્લા છે તે  યથાવત છે પણ ભાજપ સંગઠનની દૃષ્‍ટિએ ફેરફાર થશે. નવી  સંગઠન સીમાંકન રચના પછી દરેક મંડલ (તાલુકા-વોર્ડ) માં નવા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણુક થશે અને કાર્યકરોએ મંડલ કક્ષાએ પદાધિકારી બનવાની તક મળશે.પ્રદેશ કક્ષાએ ભાજપનું માળખુ રચાય તે પુર્વે નવા સીમાંકન મુજબ સંગઠન માળખા બની જશે. હાલ નવા સંગઠન સીમાંકનની રચના માટે જિલ્લાવાર બેઠકો ચાલી રહી છે. તેના સમગ્ર રાજયના ઇન્‍ચાર્જ કચ્‍છના સાંસદ વિનોદ ચાવડા છે. સંગઠન સીમાંકન સમિતિ સૌરાષ્‍ટ્ર વિભાગના ઇન્‍ચાર્જ તરીકે પૂર્વે કેન્‍દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા અને જુનાગઢ સ્‍થિત પ્રદેશ અગ્રણી પ્રદીપ ખીમાણીને જવાબદારી સોંપવામાં આવી છે. બન્નેએ રાજકોટ, સુરેન્‍દ્રનગર, મોરબી વગેરે જિલ્લાઓમાં અપેક્ષિત કાર્યકરો સાથે બેઠકો પૂરી કરી છે.

(3:24 PM IST)