<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

આમ ત્રણ વખત થશે વિકાસ...ગરુડેશ્વરના સોનગામ ગ્રામ પંચાયતમાં એક જ કામનું ત્રણ વખત ખાતમુહુર્ત થતા ઝપાઝપી થઈ

સોનગામ ગ્રામ પંચાયતમાં મંજૂર થયેલ સ્લેબ ડ્રેઈનનું ત્રણ ત્રણ વાર ખાત મુહુર્ત થયું અને ચોથી વાર નિયત કરેલી જગ્યાના બદલે અન્ય જગ્યાએ ખાતમુહુર્ત થતા હોબાળો થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:એક તરફ નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે તો બીજી બાજુ ગરુડેશ્વર તાલુકાના સોનગામ ગ્રામ પંચાયતમાં મંજૂર થયેલ સ્લેબ ડ્રેઈનનું ત્રણ ત્રણ વાર ખાત મુહુર્ત થયું અને ચોથી વાર નિયત કરેલી જગ્યાની બદલે અન્ય જગ્યાએ ખાતમુહુર્ત થતા ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.અને અકળાયેલા ગ્રામજનો દ્વારા સ્થળ ઉપર ભારે હોબાળો મચાવી આને ગેરવહીવટ અને ગેરકાયદેસર ગણાવ્યું હતું.
આ જ મુદ્દે સોનગામ ગ્રામ પંચાયતના લોકો ટોળું લઈ રાજપીપળા ખાતે માર્ગ અને મકાન વિભાગ ખાતે રજુઆત કરવા આવી પહોંચ્યા હતા.એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે આ સ્લેબ ડ્રેઈન માટે (નાળુ) વર્ષ 2023 માં સોનગામ ખાતે નદી ઉપર નાળાના કામ માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાયા બાદ પુર્વ સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.જે બાદ પુર્વ વનમંત્રી શબ્દશરણ તડવી અને આર.એન.બી દ્વારા ખાતમહુર્ત કર્યા પછી પણ કામ શરૂ થયું નહતું.
હવે 13/10/2024 ના રોજ ન.જી.પં શિક્ષણ સમિતિ ચેરમેન સંગીતાબેન તડવી, ગરુડેશ્વર તા.પં.માજી પ્રમુખનો પુત્ર જીતેન્દ્ર ભીલ, સરપંચ કપીલાબેન ભીલ અને એજન્સી દ્વારા નિયત જગ્યાની બદલે અન્ય જગ્યાએ ખાતમુહુર્ત કર્યું છે.આ જગ્યાએ કોઈ રોડ રસ્તો પણ નથી કે કોઈ ગામ પણ નથી.અને જે જગ્યાએ નાળુ બનાવવાની મંજૂરી મળેલી છે એની સામે કાંઠે ત્રણ ગામોને જોડતો રસ્તો છે.તેમજ 70 ટકા ખેડુતો અને લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે.ચોમાસામાં બાળકોને શાળાએ જવા માટે નિયત કરેલ જગ્યાએ નાળુ બને એ હિતાવહ છે

(10:23 PM IST)