<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ડિજિટલ એરેસ્ટ કેસમાં 50થી વધુ ગેંગ સક્રિય : 450 લોકોને તો ખાલી આમણે જ કર્યા ટાર્ગેટ

ધરપકડ કરાયેલ માર્ક અગાઉ 4 વાર ભારત આવી ચૂક્યો છે:સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 તાઇવાનીઓની ધરપકડ બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 તાઇવાનીઓની ધરપકડ બાદ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. આ લોકોએ ફ્રોડને એક ઇન્ડસ્ટ્રી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક કે બે નહિ પરંતુ આવી 50 થી વધુ ગેંગ સક્રિય હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટ કેસમાં 2 દિલ્હીથી અને 2 બેંગલોરથી તાઈવાનીઓની ધરપકડ કરી હતી અને જેમાં તપાસ બાદ સામે આવ્યું કે ધરપકડ કરાયેલ માર્ક અગાઉ 4 વાર ભારત આવી ચૂક્યો છે.

જ્યારે અન્ય આરોપી સાઇમન અગાઉ માર્ક સાથે આવી ચૂક્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે તાઇવાનમાં આવી એક નહિ પરંતુ 50 ગેંગ સક્રિય છે અને જેમાં કસીનો માફીયાઓ પણ સામેલ છે. મહત્વનું છે કે તાઇવાનથી આ બધું ઓપરેટ થાય છે પરંતુ ડાર્ક સેન્ટર કંબોડિયા, વિયેતનામ, લાઓસ અને મ્યાનમારમાં છે અને ત્યાં પણ આમના લોકો કામ કરે છે.

  આ લોકો માત્ર ડિજિટલ એરેસ્ટ નહિ પરંતુ અલગ અલગ સ્કીમ જેમાં ઇન્વેસ્ટમેન્ટ, શેર માર્કેટ જેવા અનેક વસ્તુઓની લાલચ આપી રેકેટ ચલાવી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો 4 લેયરમાં કામ કરે છે જેમાં જાહેરાત માટે અલગ ટીમ, એચઆર, ટેક્નોલોજી અને કસ્ટમરાઇઝેશન અને એક ટીમ કે જે ભારતમાં ડમી એકાઉન્ટ દ્વારા દુબઈથી રૂપિયા મેળવીને usdt માં બદલી દેશ બહાર રૂપિયા મોકલવાનું કામ કરતા હતા. આ ગેંગની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકો જે લોકોના ડમી એકાઉન્ટ મેળવતા તેમના ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ લઈ લેતા જેથી દુબઈમાં રૂપિયા મેળવીને આગળ પ્રોસેસ કરતા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો ભારતમાં એજન્ટની નિયુક્તિ માટે અલગ અલગ રીતે તપાસ કરતા કે તે વફાદાર છે કે કેમ અને ત્યારબાદ તેની નિયુક્તિ કરતા હતા. તેમની સાથે વાત કરવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરતા પહેલા જેમાં પોતાના નામ ખોટું બતાવતા હતા. આમની માહિતીના આધારે વિશાખાપટ્ટનમમાં પણ એક ડાર્ક સેન્ટર પકડાયું છે. હાલ સાયબર ક્રાઇમની ટીમ તેમની પાસેથી મળેલી એક ppt ની તપાસ કરી રહી છે જેમાં એક sop તૈયાર કરવામાં આવી છે. જેમાં 450 થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસની આગળની તપાસમાં વધુ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

(11:03 PM IST)