News of Friday, 18th October 2024
સાગબારા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૫૩ મિ. મી. વરસાદ નોંધાયો
જમીનમાં પાણીના સ્તર ઉપર આવતા અનેક ઠેકાણે પાણીના ફુવારા ઊડતા લોકોમાં કુતૂહલ સર્જાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં
નોંધાયો છે. સાગબારા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ ૧૯૫૩ મિ.મી. નોંધાયો છે. સાગબારા તાલુકામાં જમીનમાં પાણીના સ્તર ઉપર આવી ગયા છે.તેને કારણે સાગબારા તાલુકાના ઘનશેરા ગામે પાણી માટેના બોરમાંથી પાણીના ફુવારા ઊડતા લોકો માં ભારે કુતૂહલ સર્જાયું હતું, ઘનશેરા સબ સ્ટેશનના પ્રાંગણમાં પાણીના બોરમાંથી સ્વયં પાણીના ફુવારા છૂટ્યા છે. આ બંને જગ્યાએ બોરમાંથી ચોવીસ કલાક પાણીના ફુવારા છૂટતાં નજરે પડે છે. બંને બોરમાંથી સ્વચ્છ પાણી નીકળતું જોવા મળે છે.
બંને બોરમાંથી સ્વયં પાણીના ફુવારા છૂટતાં લોકોને વગર મહેનતે અને મોટર ચલાવ્યા વિના પીવાનું પાણી મળી રહે છે. લોકો પાણીનો ઉપયોગ અન્ય કામ માટે પણ લે છે.
બંને જગ્યાએ બોરમાંથી પાણીના ફુવારા છૂટતાં લોકો તેને જોઈને આશ્વર્ય પામે છે. ઉપરાંત સાગબારા તાલુકાના કોડબા ગામે પણ પાણી માટે બનાવેલા બોરમાંથી સ્વયં પાણીના ફુવારા છૂટ્યા છે. સાગબારા તાલુકામાં અન્ય જગ્યાએ પણ આવી સ્થિતિ જોવા મળી છે.
સાગબારા તાલુકામાં પાણીની નિરાંત થઈ ગઈ છે. સેલંબાની નદી, કોલવાણની દેહેલી નદી, ઉભારીયાની દોધન નદી અને પાટ ગામની નદીમાં અને ચેકડેમોમાં વરસાદ પાણી વહી રહ્યા છે.ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહેશે તેને કારણે સાગબારા તાલુકાના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
