<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

અનિરૂધ્‍ધસિંહ જાડેજાની માફીના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર

પુર્વ ધારાસભ્‍ય પોપટભાઇ સોરઠીયા હત્‍યા કેસમાં : ૧૯૮૮માં ગોંડલમાં ધ્‍વજવંદનના કાર્યક્રમમાં પોપટભાઇની હત્‍યા થયેલ હતીઃ છેલ્લે સુપ્રિમ કોર્ટે સજા કરી હતીઃ અનિરૂધ્‍ધસિંહને સજા માફી અપાતા પોપટભાઇના પૌત્ર હરેશ સોરઠીયાની અરજી ઉપર ગુજરાત સરકાર, પુર્વ જેલ વડા ટી.એસ.બીસ્‍ટ અને અનિરૂધ્‍ધસિંહ ઉપર હાઇકોર્ટની નોટીસઃ ર૮મીએ સુનાવણી

અમદાવાદ, ગુરૂવારઃ કોંગ્રેસના પુર્વ ધારાસભ્‍ય પોપટભાઇ સોરઠીયાની ૧૯૮૮માં ધ્‍વજવંદન કાર્યક્રમમાં જ પિસ્‍તોલથી ગોળીઓ ધરબી દઇ જાહેરમાં સનસનાટી ભરી હત્‍યા કરવાના કેસમાં ટાડા હેઠળ જન્‍મટીપની સજા પામેલા અનિરૂધ્‍ધસિંહ જાડેજા (રીબડા) ને ર૦૧૮માં સજા માફી આપવાના સરકારના નિર્ણયને પડકારતી રીટમાં હાઇકોર્ટે રાજય સરકાર, પુર્વ જેલ એડીજીપી ટી.એસ.બીસ્‍ટ અને અરૂિધ્‍ધસિંહ જાડેજાને નોટીસ જારી કરી વધુ સુનાવણી તા. ર૮ મી ઓકટોબરના રોજ રાખી છે.

સ્‍વ.પોપટભાઇ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા આરોપી અનિરૂધ્‍ધસિંહ જાડેજાને જેલમાં સજા પહેલા વહેલા મુકત કરી દેવાના સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રીટમાં એવી રજુઆત કરાઇ હતી કે ગત તા. ર૯-૧-ર૦૧૮ના રોજ તત્‍કાલીન જેલોના એડીજીપી ટી.એસ.બિસ્‍ટ દ્વારા જુનાગઢ જેલ ઓથોરીટીને પત્ર લખાયો હતો અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઇ હતી. જેની પાછળ એવું કારણ અપાયું હતું કે જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્‍યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્‍યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે. તેથી અનિરૂધ્‍ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઇએ.

અરજદાર દ્વારા અદાલતનું ધ્‍યાન દોરાયું હતું કે, હત્‍યાના ઉપરોકત બનાવ બાદ તેમના પરિવાર દ્વારા પોતાની તમામ મિલ્‍કત વેચીને ગોંડલ છોડીને જતું  રહેવું  પડયું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અનિરૂધ્‍ધસિંહ જાડેજા અને નીલેશકુમાર નામના આરોપીને ટાડા એકટની જોગવાઇ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્‍યો હતો. જેમાં મહત્‍વના સાક્ષીઓ ફરી જતા બંને આરોપીઓ નિર્દોષ છુટી ગયા હતા. જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા તા.૧૦-૭-૧૯૯૭ના રોજ સુપ્રિમ કોર્ટે જન્‍મટીપની સજા ફટકારી હતી.

શું હતો પોપટભાઇ સોરઠીયાની હત્‍યાનો સમગ્ર મામલો ??

ગત તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૮૮ના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્‍કુલમાં ધ્‍વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પોપટભાઇ સોરઠીયાની અનીરૂધ્‍ધસિંહ જાડેજા દ્વારા પોઇન્‍ટ બ્‍લેન્‍ક રેન્‍જથી ગોળીબાર કરીને સનસનાટીભરી હત્‍યા કરાઇ હતી. રાજકીય દુશ્‍મનાવટમાં આ હત્‍યા કરાતા ગુજરાતભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અનિરૂધ્‍ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજા પણ એક સમયે ધારાસભ્‍ય રહી ચુકયા હતા.

(12:17 PM IST)