તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
ભેળસેળિયા વેપારીઓ પર કડક કાર્યવાહીઃ ઋષિકેશ પટેલ, ૬.૩ કરોડથી વધુની ૨૨૬ ટન ખાદ્યચીજો જપ્તઃ ડો.કોશિયા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારો પર દરોડાનો દોર

રાજકોટ,તા. ૧૯: ગુજરાત રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખોરાકની સલામતી, લોકજાગૃતિ અને આગામી તહેવારોને અનુલક્ષીને તા.૩ થી ૧૭ ઓકટોબર દરમિયાન ‘ફૂડ સેફટી પખવાડિયા' નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સજ્જ છે. જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. ૬.૩ કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ પકડી ભેળસેળિયા વેપારીઓને ઉગતા જ ડામી દેવામાં આવ્યા છે.
આ સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતા અથવા ભેળસેળ કરતા વેપારીઓને સરકાર સાંખી નહીં લે. આવા ભેળસેળિયા વેપારીઓ પર રાજય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ.જી.કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજો મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા.૩ થી ૧૭ ઓકટોબર દરમિયાન ‘ફૂડ સેફટી પખવાડિયું' ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન તંત્રની જીલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવેરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્સ/રજીસ્ટ્રેશનના કેમ્પ, ફૂડ સેફટી વ્હીલ્સનો ઉપયોગ કરી ટ્રેનીંગ, ટેસ્ટીંગ અને જાગૃતિ તથા નવરાત્રી દરમિયાન રાત્રીના સમયે પાર્ટી પ્લોટો અને મંડળોવાળી જગ્યાએ ફૂડ સ્ટોલની તપાસની કામગીરી કરવામાં આવી હતી. ફુડ સેફટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે તા.૧૭ ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા ૨૬૦૩ એન્ફોર્સમેન્ટ નમુના અને ૫૬૪૩ સર્વેલન્સ નમુના એમ કુલ ૮૨૪૬ જેટલા નમુના લેવામાં આવ્યા હતા તથા ૩૯૮૭ થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તંત્ર દ્વારા રાજયમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ ૧૧૫ જેટલી રેડ કરી આશરે રૂ. ૬.૩ કરોડની કિમતનો ૨૨૬ ટન જેટલો શંકાસ્પદ ખાદ્યચીજનો જથ્થો તહેવારો દરમ્યાન ગ્રાહક સુધી ન પહોંચે તે માટે થઇને તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકોના આરોગ્યના હિતમાં ૮,૭૨૮ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખોરાક, જેની કિંમત અંદાજે રૂ. ૧૩.૭ લાખ થાય છે, તેનો નાશ કરવામાં આવ્યો હતો.
કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે પી.એમ. પોષણ કાર્યક્રમ અંતર્ગત કામ કરતા સંચાલકોને તાલીમ મળી રહે તે માટે ઓનલાઈન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ. પોષણ કાર્યક્રમમાં કામ કરતા દરેક સંચાલક, શિક્ષકો વગેરે ૯૦,૦૦૦ થી વધુ લોકો ટ્રેનિંગ માટે જોડાયા હતા. આ ઉપરાંત, આંગણવાડીમાં કામ કરતા ૬૦,૦૦૦ કાર્યકરોને તંત્ર દ્વારા ગ્ત્લ્ખ્ઞ્ ખાતેથી ઓનલાઈન ટ્રેનિંગ આપી ફૂડ સેફટી અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા કરવામાં આવતા જન જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયાના અંતે કૂલ ૧૪૦૦ જેટલા જાગૃતિ કાર્યક્રમ ફૂડ સેફટી ઓનવ્હીલ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ૮.૫ લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. વધુમાં ૨૦૦ જેટલી શાળાઓમાં પણ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ફૂડ સેફટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ફૂડ સેફટી ઓનવ્હીલ્સ દ્વારા દિવસ દરમ્યાન ૧૩,૮૦૦ જેટલા નમુના તપાસવામાં આવ્યા અને ૧૦૦૦ થી વધુ ટ્રેનિંગ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ૧૬,૦૦૦ જેટલા વેપારીઓ સહભાગી થયા હતા.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
