News of Sunday, 20th October 2024
શિક્ષણ વિભાગમાં વર્ગ-૧માં બઢતી માટે બે દિવસ ખાતાકીય પરીક્ષા લેવાશે
ટર્ફ હાઈસ્કૂલને પરીક્ષાનું સેન્ટર નક્કી કરાયું : વર્ગ-૨ના ૨૭૦ અધિકારી બઢતી માટેની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે - આજે પેપર-૧ની પરીક્ષા લેવાશે, જ્યારે રવિવારના રોજ પેપર-૨ અને પેપર-૩ની પરીક્ષા

અમદાવાદ, તા.૨૦,
રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૨ના અધિકારીઓને વર્ગ-૧માં બઢતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શનિવાર અને રવિવારના રોજ ખાતાકીય પરીક્ષા લેવામાં આવશે. જેમાં શનિવારે પેપર-૧ અને રવિવારે પેપર-૨ અને પેપર-૩ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૨૭૦ જેટલા ઉમેદવારો નોંધાયા હોવાનું જાણવા મળે છે. પરીક્ષા માટે અમદાવાદ શહેરમાં આવેલી ટર્ફ હાઈસ્કૂલને પરીક્ષાનું સેન્ટર નક્કી કરાયું છે. પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના જાહેરનામાંથી ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ- ૨ને ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ-૧માં બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાની કામગીરી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને અધિકૃત કરવામાં આવેલી છે. જેના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા માટેના આવેદનપત્રો મંગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાતાકીય પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરીક્ષા માટેનો કાર્યક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે હવે શનિવારના રોજ પેપર-૧ની પરીક્ષા લેવાશે. જ્યારે પેપર-૨ની પરીક્ષા અને પેપર-૩ની પરીક્ષા રવિવારના રોજ લેવામાં આવશે. આમ, બે દિવસમાં ત્રણ પેપરની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ગ-૧માં બઢતી માટેની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૨૭૦ જેટલા ઉમેદવારો નોંધાયા છે. આ ઉમેદવારો પરીક્ષા આપવા માટે નારણપુરા વિસ્તારમાં આવેલી ટર્ફ હાઈસ્કૂલમાં ઉપસ્થિત રહેશે. ઉમેદવારોએ કુલ ત્રણ પેપરની પરીક્ષા આપવાની રહેશે અને એક પેપર ત્રણ કલાકનું રહેશે. પેપર-૧ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું હશે. જ્યારે પેપર-૨ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ્સ એન્ડ પોલીસી ઓફ એજ્યુકેશનનું રહેશે. જ્યારે પેપર-૩ ઈન્સ્ટિટ્યુશન્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટટન્સ એન્ડ વેરિયસ એજ્યુકેશન સ્કિમનું રહેશે. ત્રણેય પેપરની પરીક્ષા પુસ્તક સાથે આપી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ખાતાકીય પરીક્ષાના આધારે વર્ગ-૨ના અધિકારીઓને વર્ગ-૧માં પ્રમોશન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
