News of Tuesday, 22nd October 2024
કોથમીર - આદુ - ટમેટાના ભાવ પૂછવા જ રહયા : ૧૦૦ને પાર
વરસાદે શાકભાજીના પાકને ભારે નુકશાન પહોંચાડયુ શાકભાજીની આવકમાં ભારે ઘટાડો : બટાકા પણ રૂ.૫૦ના કિલો

અમદાવાદ, તા.૨૨: રાજયમાં પાછોતરા વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. તેથી બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમજ ભારે વરસાદને કારણે આ વખતે ખેતી તથા શાકભાજીને વ્યાપક નુકસાન ગયુ છે. સતત વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો છે.
સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો રૂપિયા ૧૦૦ને પાર થયા છે. ગુજરાતમાં ઘણાં એવા જિલ્લા છે જ્યાં ૧૦૦ ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. હજુય અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે પરિણામે ચોમાસુ પાક ખરાબ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ખેતીના સાથે સાથે શાકભાજીને પણ મોટું નુકસાન પહોચ્યું છે.
વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજી પણ ઘટયા છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યું છે. આ કારણોસર હોટલ-રેસ્ટોરન્ટમાં અસર જોવા મળી રહી છે. વરસાદી પાણીને કારણે ખેતરોમાં શાકભાજી કોહવાઈ જાય તેવો ભય ઉભો થયો છે ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં ટામેટાંનો કોઇ લેવાલ ન હતો ત્યારે હવે ટામેટાં પણ કિલોના રૂ.૧૦૦-૧૨૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં ૧૦૦ રૂપિયે વેચાઇ રહ્યુ છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ.૭૦ સુધી પહોંચ્યા છે. તથા આદુનો એક કિલોનો ભાવ રૂ.૧૪૦ થયો છે. બટાકા પણ કિલોના રૂ.૫૦ના ભાવે વેચાઇ રહ્યાં છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
