<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

મને લાફો મારી તથા મને આ ગુનામાં કબૂલ કરવા માટે બળજબરી કરી: નકલી જજે કરી અસલી જ્જને રજુઆત

નકલી કોર્ટ બનાવીને બેઠેલા 'નકલી જજ'ને અસલી જજ સામે રજૂ કરાયા:આરોપીએ પોલીસ સામે જ કરી ફરિયાદ: કહ્યું ગુનો કબૂલવા માટે પીઆઈએ જાંઘના ભાગે માર માર્યો

અમદાવાદ :ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલબુથ, નકલી સ્કૂલો, નકલી હુકમો કરી આશરે 100 એકરથી વધુ જમીનોમાં હુકમો કરી નાંખ્યા હોવાના અધિકારીઓના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં તો, સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આર્બીટ્રેશનની નકલી કચેરી અને બોગસ જજ બની હુકમો કરવાના ગુજરાતના ન્યાયતંત્રને હચમચાવી નાંખે તેવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોરીસ સેમ્યુઅલ કિશ્ચિયન નામના કહેવાતા વકીલે બોગસ આર્બીટ્રેશન ઉભુ કરી પોતે જ આર્બીટ્રેશન જજ બની, જાતે જ સ્ટાફ ઉભા કરી, જાતે જ વકીલો રોકાવી અને પોતાની રીતે જ બોગસ હુકમો કરી નાંખ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ગુજરાતના ન્યાયતંત્રમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. સિવિલ કોર્ટે બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરૂદ્ધ ફરિયાદ નોંધવા   હુકમ કર્યો છે. જેને પગલે કારંજ પોલીસે આ સમગ્ર મામલે મોરીસ ક્રિશ્ચિયન વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ બોગસ કોર્ટ બનાવીને ગોરખધંધા કરનારા નકલી મેજીસ્ટ્રેટને કોર્ટમાં રજૂ કરાતા તેણે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

બોગસ કોર્ટ બનાવીને ગોરખધંધા કરતા નકલી મેજીસ્ટ્રેટ મોરીસે એક લેખિત ફરિયાદ કરી છે. જ્યારે અસલી મેજીસ્ટ્રેટે નકલી મેજીસ્ટ્રેટને પોલીસથી કોઈ ફરિયાદ છે તેમ પુછ્યું ત્યારે નકલી મેજીસ્ટ્રેટ મોરીસે 'હા' કહીને ગુનો કબૂલવા માટે પીઆઈએ જાંઘના ભાગે માર માર્યો હોવાની વાત કરી હતી અને પોલીસ સામે ફરિયાદ કરવાની માગ કરી હતી. નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ છે કે, ગઈકાલે રાતે 8 વાગ્યે ધરપકડ કરાતાં અમને પોલીસની બે ગાડીઓમાં બેસાડી ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો. કારંજ પોલીસ સ્ટાફ સાથે ગાંધીનગર સેક્ટર 24, જીગર અમી કોમ્પલેક્સ કોલવડા રોડ ખાતે તપાસ બાબતે મને PI ચૌધરી જે તપાસ અધિકારી છે તેમણે મને લાફો મારી તથા મને આ ગુનામાં કબૂલ કરવા માટે બળજબરી કરી હતી. તથા તેમાં મારા નંબરના ચશ્માં પણ તૂટી ગયા. ત્યાર બાદ કારંજ પોલીસ મથકના PIએ પાંસળીના ભાગે લાતો મારી, જાંઘ ઉપર પટ્ટા વડે મારી ગુનો કબુલ કરવા કહ્યું હતું. સાથેના સ્ટાફમાં ચાર પોલીસવાળાને જોઈ ઓળખી શકાય, તેમણે આ બાબતે ગુનો કબુલ કરવા દબાણ કર્યું હતું.

(10:48 PM IST)