News of Wednesday, 23rd October 2024
વરસાદને કારણે પ્રોડક્શન ઘટતા ફટાકડા ‘દઝાડશે'
બજારમાં ૨ રૂપિયાની માચિસથી લઇ રૂપિયા ૧૦ હજાર સુધીની આતશબાજી : બાળકોને આકર્ષવા ગદર-૨, ડોરેમોન, ટોમ અને જેરી ફટાકડાની બોલબાલા

સુરત,તા. ૨૩: રોશનીના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ફટાકડા ફોડીને દિવાળી અને નવા વર્ષનું સ્વાગત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. દર વર્ષે સુરતમાં ફક્ત દિવાળીમાં જ કરોડોના ફટાકડાનો વેપાર થાય છે. જોકે. આ વર્ષે વરસાદને કારણે ફટાકડાના વેપારને અસર થઈ છે. સુરતમાં દર વર્ષે ફટાકડાના નાના-મોટા ૧૫૦૦ની આસપાસ સ્ટોલ ખૂલે છે. તેની સામે આ વર્ષે સુરત ફાયર વિભાગ પાસે એનઓસી માટે ફક્ત ૩૫૧ જેટલી અરજીઓ આવી છે. હજી સુધી વરસાદ પડી રહ્યો હોય વેપારી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા કે નહીં, તેને લઈ મૂંઝવણમાં મુકાયા છે. જયારે ઘણા વેપારીઓના ફટાકડા આવી ગયા છે. પરંતુ વરસાદ પડી રહ્યો હોવાથી તેઓ સ્ટોલમાં ફટાકડા મૂકવાનું ટાળી રહ્યાં છે. બીજી બાજુ હજી પણ વરસાદ પડી રહ્યો હોય જોઈએ તેવી ઘરાકી ફટાકડાના બજારમાં જોવા મળી રહી નથી. આ ઉપરાંત શિવાકાશીમાં ભારે વરસાદ પડ્યો હોય તેની સીધી અસર ફટાકડાના પ્રોડક્શન પર થઈ છે. વરસાદને કારણે ફટાકડા સુકાતા નથી. જેને લીધે પેકિંગ કરી શકાતું નથી. આ પ્રકારની પરિસ્થિતિને કારણે ફટાકડાના પ્રોડક્શનમાં ૩૫ ટકા જેટલો ઘટાડો થયો છે. દર વર્ષે ફટાકડાના ભાવમાં ૧૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. પરંતુ આ વર્ષે ફટાકડાનું પ્રોડક્શન ઘટયું હોય ૨૫થી ૩૦ ટકા જેટલો ભાવ વધ્યો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. (૨૨.૨)
એક ફટાકડો ૮થી ૧૦ હાથમાંથી પસાર થાય છે
ફટાકડા બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે. એક ફટાકડો ૮થી ૧૦ હાથમાંથી પસાર થયા બાદ બને છે. ત્યારે આ વર્ષે ભારે વરસાદ પડયો હોવાથી તેની સીધી અસર ફટાકડાના પ્રોડક્શન પર થઈ છે. વરસાદને કારણે ફટાકડા સુકાતા નથી અને પેકિંગ પણ કરી શકાતા નથી. જેને લીધે ૩૫ ટકા પ્રોડક્શન ઘટવા સાથે ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે. હજી સુધી જોઈએ તેવી ઘરાકી નીકળી નથી.
સૌથી વધુ માંગ સૂતળી બોમ્બ અને આતશબાજીની
આ વર્ષે ૫ણ બાળકોને આકર્ષવા માટે જાત-જાતના ફટાકડા બજારમાં આવ્યા છે. ગદર-૨, ડોરે મોન. ટોમ એન્ડ જેરી, ડોનાલ્ડ ડક, ગોલ્ડન લાયન, ચકરડી, મ્યુઝિકલ તેમજ ગરબાલ સ્પાર્કલ (ગોલ ફરતા તન્નકતારા), પો-પોપ, બીડી બોંબ, વન્ડર ફ્રો જેવા ફટાકડા બાળકો વધુ પસંદ કરે છે. ફટાકડાના બજારમાં ૨ રૂપિયાની માચિસથી લઈ રૂ. ૧૦ હજાર સુધીની આતશબાજી તેમજ રૂ. ૧૦થી લઈ ૧૫૦ રૂપિયાની બંદુક મળી રહી છે. સિંગલ શોટથી લઈ ૧૦૦૦ શોટની આતશબાજીની ભારે માંગ હોય છે. ૭ સેમીથી લઈ ૨૦૦ સેમી સુધીના તન્નકતારા તેમજ ૧ ઇંચથી લઈ ૧૦ ઇંચની કોટીની પણ ડિમાન્ડ રહે છે. સૌથી વધુ માંગ સુતળી બોમ્બ અને આતશબાજીની હોય છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
