<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સુરતમાં હિન્દુ નામ ધારણ કરીને વેપારીઓ સાથે રૂ. 72 લાખની ઠગાઈ: 2 આરોપીઓની ધરપકડ

કુલ 66 બિલ પેટે 72.03 લાખનો માલ ખરીદી લીધો અને બાદમાં તેના પેમેન્ટ બાબતે વાત કરતા માત્ર વાયદાઓ જ કરતા હતા.

સુરત શહેરમાં વેપારી સાથે રૂ. 72 લાખની ઠગાઈ થઇ હતી.જેમાં હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી 72 લાખ રૂપિયાનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ નાણાં ચૂકવવામાં આવ્યા ના હતા. આ મામલે ઉધના પોલીસ મથકમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જે પૈકી 2 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશભાઈ ઉર્ફે પિન્ટુ મનસુખભાઈ વાઘાણી (30) પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં કામરેજ વરેલી પાસે ગ્રે કાપડ બનાવી વેપાર કરે છે. 2 વર્ષ અગાઉ તેઓના મિત્રને ટીએફઓ મશીન ખરીદવા હોવાથી ઉધના ઉધોગ નગર ખાતે ગયા હતા. જ્યાં તેઓની મુલાકાત કાપડ દલાલ અનિલ હસમુખભાઈ ચેવલી સાથે થઇ હતી. જેણે પોતાની સાથે મોટી પાર્ટી હોવાનું જણાવ્યું હતું.

 

જે બાદ ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં મહાવીર ટ્રેડીંગના વહીવટકર્તા જગદીશ કુમાવથ સાથે મુલાકાત કરાવતા તેમની સાથે ગ્રે કાપડનો વેપાર શરૂ કર્યો હતો. શરુઆતમાં 10 લાખનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવીને વેપારીનો વિશ્વાસ કેળવી લીધો હતો. ગત તા.15-08-2023 થી 27-10-2023 સુધીમાં કુલ 66 બિલ પેટે 72.03 લાખનો માલ ખરીદી લીધો હતો અને બાદમાં તેના પેમેન્ટ બાબતે વાત કરતા માત્ર વાયદાઓ જ કરતા હતા.

આ દરમ્યાન પ્રજ્ઞેશભાઈ મહાવીર ટ્રેડીંગની દુકાને ગયા, ત્યારે ત્યાં મહેશભાઈ ભલાણી મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, મેં મહાવીર ટ્રેડીંગની તમામ દુકાનો ખરીદી લીધી છે અને બાકી નીકળતી ઉઘરાણી મારી પાસેથી કરજો. આથી થોડા સમય બાદ પ્રજ્ઞેશભાઈએ પેમેન્ટની માંગણી કરી તો મહેશભાઈએ વાયદા કર્યા હતા.

ગત 27 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞેશભાઈ મહાવીર ટ્રેંડિંગની ઓફિસે પેમેન્ટ લેવા ગયા, ત્યારે ત્યાં હાજર મહેશભાઈ અને જગદીશ કુમાવથ પૈકી મહેશભાઈએ કહ્યું હતું કે તારાથી થાય તે કરી લેજે. કોઈ પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં અમારા હપ્તા જાય છે અને હું આખા ગામને નવરા કરવા બેઠો છું. તને તારો જીવ વ્હાલો હોય તો પેમેન્ટ ભૂલી જા.નહીંતર જાનથી હાથ ધોવા પડશે.

જે બાદ વારંવાર ઉઘરાણી કરવા છતાં બંનેએ પેમેન્ટ કર્યું નહોતું અને તેમને જાણ થઇ હતી કે, જે જગદીશ કુમાવથ સાથે મુલાકાત કરાવી હતી તેનું સાચું નામ રીઝવાની સૈયદ આબીદ હુસેન છે. રીઝવાની સૈયદ આબીદ હુસેને હિન્દુ નામ ધારણ કરી જગદીશ કુમાવથ નામના વેપારીના જીએસટી નંબર અને ભાડા કરારનો ઉપયોગ કરી તેઓની માલ ખરીદી ઠગાઈ કરી છે.

આ મામલે ઉધના પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન, જગદીશ કુમાવથ, મહેશભાઇ રામજીભાઇ ભલાણી, મોહમદભાઇ અને અનીલ હસમુખભાઇ ચેવલી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને રીઝવાની સૈયદ આબીદ હુસેન અને મહેશ ભલાણીની ધરપકડ કરી હતી.

આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, વેપારીએ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી કે તેની પાસેથી 72 લાખનું ગ્રે કાપડ ખરીદીને છેતરપિંડી કરવામાં આવી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ખૂબ જ આયોજનપૂર્વકનું આ ષડ્યંત્ર છે. જેનો ભોગ આ વેપારી બન્યા હતા.

આ ઘટનામાં પોલીસે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એક વ્યક્તિ પોતાને જગદીશ કુમાવથ તરીકે ઓળખાવે છે તેણે વેપારીનો સંપર્ક દલાલ અનીલ ચેવલી ના નામે કર્યો હતો. અને જગદીશ કુમાવતની પોલીસે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે જગદીશ કુમાવત નહી પરંતુ તેનું નામ રીઝવાની સૈયદ આબીદ હુસેન છે અને તે પોતે જગદીશ કુમાવથ નામ ધારણ કરી જીએસટી નબર પર આ વેપારી સાથે વેપાર કરતો હતો અને ૭૨ લાખનો કાપડનો માલ ખરીદી પૈસા ચૂકવ્યા ના હતા અને વેપારી પૈસા માંગવા જતો હતો ત્યારે શરુઆતમાં ગલ્લા તલ્લા કરતા હતા અને જયારે વેપારી ઓફિસે પૈસા માંગવા જતા હતા ત્યારે ઓફિસમાં મિત્ર અને સાથી તરીકે મહેશભાઇ રામજીભાઇ ભલાણી તેને મળતો હતો અને તેણે અલગ અલગ પ્રોપટી આપી દેશે તેમજ પોતે પણ આ બીઝનેસમાં સાથે જ છે એવી બાંહેધરી આપતો હતો અને આખરે વેપારીને ધમકીઓ આપવામાં આવી હતી

આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જગદીશ કુમાવથ નામનો વ્યક્તિ પણ છે જેણે આ જીએસટી નબર મેળવ્યો પણ છે. અને જગદીશ કુમાવત પણ આ લોકો સાથે મળેલો છે. અને પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે જે પણ માલ ખરીદાતો હતો તે ઓછી કિમંતમાં અન્ય લોકોને વહેચી દેવામાં આવતો હતો અને આ માલ વહેચવામાં મદદ કરવામાં મોહમદ કરીને એક વ્યક્તિ હતો આમ કુલ 5 વ્યક્તિઓએ વેપારી સાથે છેતરપીંડી કરી હતી. આ બાબતે પોલીસે ગુનો નોધી રીઝવાની સૈયદ આબીદ હુસેન અને મહેશ ભલાણીની ધરપકડ કરી હતી. જયારે અન્ય 3 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે આબીદ હુસેન પોતાનું નામ જગદીશ કુમાવથ રાખીને મહાવીર મહાવીર ટ્રેડીંગ નામના ફર્મથી વેપાર શરુ કર્યો હતો અને દલાલ આ મોટો વેપારી હોવાનું જણાવતો હતો. અને તે લોકોને મોટો વેપારી હોય તે રીતે દર્શાવતો હતો. આ ષડ્યંત્રમાં હાલ એવું જણાય છે કે જગદીશ કુમાવથ પડદા પાછળ છે એ અને મહેશ ભલાણી પોતાની ઓળખ છુપાવી રાખે અને ફ્રન્ટમાં આબીદ હુસેન આવે અને પોલીસને એવું જણાય કે આ ષડ્યંત્રમાં અનીલ ચેવલીનો જ વધુમાં વધુ ભાગ છે. પરંતુ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો ખ્યાલ આવ્યો કે આ લોકોનું ઊંડાણપૂર્વકનું કાવતરૂ જ હતું.

વધુમાં જણાવ્યું હતું કે અન્ય લોકોએ પણ પોલીસને રજૂઆત કરી છે કે આ લોકોએ જ તેઓની સાથે પણ છેતરપીંડી કરી છે જે બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ લોકોને પણ અપીલ છે કે આ લોકોએ છેતરપીંડી કરી હોય અને પુરાવા હોય તો પોલીસનો સંપર્ક કરો પોલીસ તે મામલે પણ કાયદેસરની કાર્યવાહી કરશે.

(8:04 PM IST)