તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
લોકકલાકાર રાજભા ગઢવીએ ડાંગના જંગલમાં કપડાં કાઢીને લૂંટી લે છે એમ કહેતા ભારે વિવાદ
લોકડાયરાનો વીડિયો વાયરલ થતાં ડાંગના લોકો દ્વારા થઇ રહેલો ઉગ્ર વિરોધ : સામાજિક આગેવાન સ્નેહલ ઠાકરેની ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસને અરજી કરતા ચકચાર

ડાંગ,તા. ૨૫: ગુજરાત રાજયનાં લોકડાયરાનાં જાણીતા કલાકાર રાજભા ગઢવીએ એક લોક ડાયરામાં ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં કપડા કાઢીને લૂંટી લે છે એમ કહેતા હોવાનો વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. ડાંગ જિલ્લાની ભલી ભોળી આદિવાસી પ્રજા બહારથી આવતા લોકોને કઈ રીતે લૂંટી શકે તેવા સવાલ સાથે લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ આ મામલે રાજભા ગઢવી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે સામાજીક આગેવાન સ્નેહલ ઠાકરેએ જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને આહવા પોલીસ મથકમાં અરજી આપી છે. જાણીતા લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લોક ડાયરામાં જાહેર મંચપર તેમણે ભારત દેશમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતના ખાસ કરીને ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં રાત્રે ન જતા જંગલી, લૂંટારાઓએ કેટલાયને લૂંટી લીધા છે અને કપડા કાઢી લીધા છે એમ કહયું હતું..જેથી ડાંગ જિલ્લાવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લાનાં સામાજીક આગેવાન સ્નેહલ ઠાકરેએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તથા આહવા પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર, લોક ડાયરાનાં જાહેર મંચ ઉપર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જે ડાંગના આદિવાસી સમાજ માટે આ શબ્દ કલંક રૂપ સમાન છે.
આ બાબતે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં બદનામ કરવાનું કૃત્ય કરેલું છે અને આદિવાસી સમાજને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. આ મામલે તાત્કાલિક ધોરણે રાજભા ગઢવી સામે એટ્રોસિટી એકટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે. જો ટૂંક સમયમાં રાજભા ગઢવી સામે એફ.આઈ.આર. નોંધવામાં ન આવે તો આપની કચેરીનો ઘેરાવો કરી ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે એવી ચીમકી ઉચ્ચારી છે. (૨૨.૨)
રાજભા ગઢવી આ મામલે માફી માંગેઃ રાજા ધનરાજસિંહ
ડાંગ જિલ્લાના પાંચ રાજવી પૈકીના વાસુર્ણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સાહિત્ય કલાકાર રાજભા ગઢવી દ્વારા ડાંગના લોકો વિશે ટિપ્પણી કરવામાં આવેલી છે. ભગવાન રામનાં પગલાથી પાવન બનેલી ભૂમિ પર ડાંગનો આદિવાસી સમાજ વસવાટ કરે છે. જેથી અમારો આદિવાસી સમાજ ઉચ્ચ વર્ણમાંથી આવે છે. અહીંની ભલી ભોળી આદિવાસી પ્રજા કઈ રીતે લોકોને લૂંટી શકે છે.? આ પ્રકારની ટિપ્પણીના કારણે પ્રવાસીઓ પણ અસમંજસમાં મુકાય તેમ છે અને અહીં આવવાનું ટાળે તેમ છે. ત્યારે રાજભા ગઢવી આ મામલે માફી માગે નહીં તો આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે અને આવેદનપત્ર આપી આનું નિરાકરણ કરવામાં આવશે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
