તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
૧૫૦ કરોડના હવાલા કૌભાંડમાં સિમકાર્ડ સપ્લાય કરતા બે ઝબ્બે
સુરતથી ચાલતા કૌભાંડમાં પ્રિ-એક્ટિવ સિમકાર્ડ મોકલતા હતાઃ તેમની પાસેથી ૭૩ પ્રી-એક્ટિવ સીમકાર્ડ પણ કબજે કર્યા છે તેઓ ૫૦૦ રૂપિયા કમિશન લઈ બીજાના નામના પ્રી-એક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતા હતા

સુરત, તા.૨૭,
સુરતમાંથી પકડાયેલા હવાલાથી નાણાં મંગાવી ક્રિપ્ટો કોઈનમાં તબદીલ કરી આપવાના યુએસડીટી એક્સચેન્જના ૧૫૦ કરોડના હવાલા કૌભાંડમાં વધુ બે પકડાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા ૧૫૦ કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ સુરતના ભેસ્તાનમાંથી અને એક આરોપીની મુંબઇથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૭૩ પ્રી-એક્ટિવ સીમકાર્ડ પણ કબજે કર્યા છે. તેઓ ૫૦૦ રૂપિયા કમિશન લઈ બીજાના નામના પ્રી-એક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતા હતા.
૧૬મી ઓક્ટોબરે સુરત એસઓજીએ શહેરમાંથી ચાલતુ આંતરાષ્ટ્રીય યુએસડીટી(એક પ્રકારનો આભાસી કોઈન) કૌભાંડ પકડી પાડ્યુ હતું. વિદેશમાંથી હવાલાથી રૂપિયા મગાવી તેને આભાસી કોઈનમાં કન્વર્ટ કરી આપવાના આ હવાલા કૌભાંડમાં સૂત્રધાર મકબૂલ ડોક્ટર અને તેનો પુત્ર બસ્સામ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ દુબઈ મોકલતા હતા. અત્યાર સુધીમાં ટોળકીએ ૬ હજારથી વધુ સીમકાર્ડ મોકલી ૯૦ લાખની કમાણી કરી હોવાની વાતો સામે આવી છે. એસઓજીના પીઆઈ એ.એસ.સોનારાની સૂચનાથી સ્ટાફે ભેસ્તાન હલીમા મસ્જિદ પાસેથી પ્રિ-એક્ટિવ સીમકાર્ડ સપ્લાય કરનાર ૨૪ વર્ષીય અલી બિલાલ ઝવેરીને પકડી પાડ્યો હતો. તેણે નામ આપતા અન્ય ૨૫ વર્ષીય પીર મુહમ્મદ અશરફ મેમણને પકડી પાડ્યો હતો. આરોપી પીરમોહમદ રિક્ષા ચાલક છે. તેની પૂછપરછમાં આ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મહારાષ્ટ્રમાં સત્યમ પાસેથી લાવતા હતા. આથી એસઓજીના છજીૈં ઈમ્તિયાઝ ફકરૂ મુહમ્મદે મુંબઈમાં નાલાસોપારા ખાતેથી આરોપી સત્યમ કિશનલાલ ગુપ્તાને પકડી પાડ્યો હતો. આ બંને પાસેથી વધુ ૭૩ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મળ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે મુંબઈનો સત્યમ ગ્રાહકોને બાયોમેટ્રીક સિસ્ટમમાં ખામીના બહાના કાઢી અન્ય મિત્રના બાયોમેટ્રીક સિસ્ટમમાં ગ્રાહકોના નામે સીમકાર્ડ એક્ટિવ કરાવી એક સીમ આપી બીજુ પોતાની પાસે રાખતો હતો. મુંબઈ નાલાસોપારા ખાતે આરોપી સત્યમ ગુપ્તા અને તેનો મિત્ર છત્રી નાખી વોડાફોન અને એરટેલ કંપનીનું સીમકાર્ડનું વેચાણ કરતા હતા. જેમાં આરોપી સત્યમ જે ગ્રાહકો સીમકાર્ડ લેવા આવતા હતા તે ગ્રાહકોને બાયોમેટ્રિક સિસ્ટમમાં ખામી છે, એવા બહાના કાઢી બાજુમાં મિત્રની બાયોમેટ્રિક સિસ્ટમમાં ગ્રાહકોના નામે સીમ એક્ટિવ કરાવતો હતો. ત્યારબાદ ૨ સીમમાંથી એક ગ્રાહકને આપી દેતો અને બીજુ સત્યમ પોતે રાખતો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સુરત પોલીસે પકડેલા આં.રા. કૌભાંડમાં પકડાયેલી ટોળકી સુરતમાં બેસી ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાઈને ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડ ચલાવતી હતી. સુરત શહેર એસ ઓ જી દ્વારા મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ૮ પાસબુક, સેવિંગ્સ એકાઉન્ટની ૨૯ ચેકબુક, ૩૮ ડેબિટ કાર્ડ, ૪૯૭ સીમકાર્ડ, ૭ મોબાઈલ, એક નોટ ગણવાનું મશીન અને રોકડા ૧૬,૯૫,૦૦૦ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
