<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

પંચમહાલના ભંડોઇમાં કરુણાંતિકા:વીજ વાયર પડતાં બાઇક સવાર ત્રણ યુવકોના કરૂણમોત

ભંડોઈ ગામે ત્રણ યુવકો બાઈક પર સવાર થઇ રોડ પરથી પસાર થતા હતા દરમિયાન જીવંત વીજ તાર તૂટીને પડ્યો : ત્રણ યુવકના મોત નીપજતાં વીજ કંપની વિરુદ્ધ ગ્રામજનોનો આક્રોશ

પંચમહાલ જિલ્લાના ભંડોઇમાં દિવાળી પૂર્વે કરુણાંતિકા સર્જાઈ છે. ત્રણ યુવકો બાઇક પર જઇ રહ્યાં હતા ત્યારે વીજ તાર તૂટી પડતા કંરટ લાગતા ત્રણેય યુવકના મોત નીપજ્યાં હતા. ત્રણ યુવકના મોતથી ગ્રામજનોમાં ગમગીની છવાઈ હતી. પરિવારજનો દ્વારા વીજ કંપનીની બેદકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ લગાવી વીજ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી રહ્યાં છે.

બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ તાલુકો આવેલો છે. મોરવા હડફના ભંડોઇ ગામે ત્રણ યુવકો બાઇક લઇને રોડ પર પસાર થઇ રહ્યાં હતા. જે દરમિયાન વીજ લાઇનનો જીવંત વીજ તાર અચાનક તૂટી બાઇક પર પડ્યો હતો. જેમાં કરંટ લાગતા ત્રણ યુવકોના બનાવ સ્થળે જ મોત નીપજ્યાં હતા.

ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજતા પરિવાર સહીત ગ્રામજનો માં ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારજનોએ એમજીવીસીએલની બેદરકારીને કારણે ત્રણ યુવકોના મોત નિપજ્યા હોવાના આક્ષેપો સાથે વીજ કંપની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે નિષ્પક્ષ તપાસ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. આ ત્રણેય મૃતક યુવાનોને પોસ્ટમોર્ટમ માટે મોરા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:38 PM IST)