<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ખોખરાઉમર શાળાના આચાર્યની બદલી થતાં તેમના વિદાય સમારંભમાં બાળકો અને વાલીઓ ભાવુક થયા

આચાર્યા જીનલબેન અને તેમનો આખો સ્ટાફ એટલો પ્રેમાળ અને શિક્ષિત છે.કે જેમના કારણે ખાનગી સ્કૂલોમાંથી બાળકો સરકારી સ્કૂલોમાં ભણવા આવતા થયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:સરકારી શાળાઓનું શિક્ષણ સુધરે અને સરકારી શાળાઓમાં પ્રાઈવેટ શાળા કરતા સારું અને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે 2012થી મોટી શાળાઓમાં એચ.ટાટ-આચાર્યની ભરતી કરવાનું શરુ કર્યું. ઘણા વર્ષો પછી બદલીની રાહ જોઈ રહેલ એચ.ટાટ આચાર્યોની 12 વર્ષમાં પહેલી વખત સરકારે બદલી કરી છે ત્યારે બદલી લીધેલ આચાર્યોની વિદાય પ્રસંગના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે.

નર્મદા જીલ્લાની ખોખરાઉમર પ્રાથમિક શાળામાં 2014 થી આચાર્ય તરીકે ફરજ બજાવતા જીનલબેન વાળા ની બદલી થતા શાળાના સ્ટાફ અને ગ્રામજનોએ આચાર્યને વિદાય આપી હતી. વિદાય વેળાએ બાળકો અને ગામ હિબકે ચડ્યું હતું. સરકારી શાળાઓમાં જ્યાં દિવસે દિવસે બાળકોની સંખ્યા ઘટતી જાય છે ત્યા ખોખરાઉમર પ્રાથમિક શાળાઓમાં આચાર્ય, સ્ટાફ અને ગ્રામજનોના સહયોગથી બાળકોને મળતા ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે શાળાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.
સરકારનો મહત્વાકાંક્ષી “સ્કુલ ઓફ એકસેલન્સ”નો પ્રોજેક્ટ શાળામાં અમલી છે. શાળામાં મળતા આધુનિક શિક્ષણનો લાભ લેવા આજુબાજુની ખાનગી શાળાઓ માંથી પણ બાળકો સરકારી શાળામાં પ્રવેશ લે છે. અનેક કર્મચારીઓ, શિક્ષકોના બાળકો પણ આ શાળામાં જ અભ્યાસ કરે છે.
આમ, એક આચાર્ય ધારે તો સરકારી શાળાને પણ અત્યાધુનિક અને ખાનગી શાળા કરતા પણ વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પડી શકે તેનું આ જ્વલંત ઉદાહરણ આચાર્ય એ પૂરું પાડ્યું છે

(10:03 PM IST)