News of Tuesday, 29th October 2024
નરેન્દ્રભાઇ અને સ્પેનનાં વડાપ્રધાનનું વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી પરિવાર દ્વારા સ્વાગત : કઢી - ખીચડી સાથે કાઠીયાવાડી ભોજન લીધુ

વાંકાનેર : વાંકાનેરના હરણી એરપોર્ટ નજીક આવેલા ટાટા સંકુલમાં ઉદ્્ઘાટન સમારોહ આટોપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ રાજ મહેલ પહોંચ્યા હતાં. જયાં રાજવી પરિવાર દ્વારા મેઇન પોર્ચમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી રાજ મહેલના દરબાર હોલ ખાતે ઐતિહાસિક બેઠક બાદ નરેન્દ્રભાઇ મોદી તેમજ પેડ્રો સાંચેઝ સહિતના ડેલિગેશને પ્યોર વેજ વિવિધ વ્યંજન અને ગુજરાતી કઢી અને ખીચડીનું લંચ લીધુ હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા સંકુલથી સુરક્ષા વ્યવસ્થા સાથે શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા હતાં. બન્ને દેશના વડાપ્રધાનનું રાજ મહેલના મેઇન પોર્ચમાં રાજ માતા શુભાંગીની ગાયકવાડ, મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે, રાજ કુમારી પદ્મજા રાજે, નારાયણી રાજે તેમજ અલૌકિકા રાજે ખાચરે અને રવિરાજસિંહ ખાચરે ગાયકવાડી પરંપરાગત રીતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
બે દેશના ડેલિગેશનને દરબાર હોલમાં લઇ જવાયા હતાં. જયાં ઐતિહાસિક બેઠકનો દોર શરૂ થયો હતો. મિટીંગ બાદ મોદી, સાંચેઝ તેમજ બન્ને રાષ્ટ્રના ડેલિગેશને પ્યોર વેજની વિવિધ વાનગીઓનું લંચ લીધુ હતું. ગુજરાતી ખીચડી કઢીનો સ્વાદ માણ્યો હતો. બરોડા સ્ટેટના શાસક અને દિર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ના લોક ઉપયોગી કાર્યો અને પેલેસનો ઇતિહાસ જાણીને સ્પેનના વડાપ્રધાન ખુબ જ પ્રભાવિત થયા હતાં. રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરાયા પછી દરબાર હોલ સુધી ચાલવા જતી વખતે પેડ્રો સાંચેઝે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે સ્ટેટના ઇતિહાસની ચર્ચા કરી હતી. (તસ્વીર - અહેવાલ : લિતેશ ચંદારાણા - વાંકાનેર)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
