<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સરકારી કચેરીઓમાં આજથી સળંગ ૪ દિવસનું મીની વેકેશન

વેકેશન પછી મહત્‍વના નિર્ણયોની જાહેરાતની તૈયારી

અમદાવાદ,તા. ૩૧: રાજયમાં સરકારી કચેરીઓમાં ગુરુવારથી ચાર દિવસનું મીની વેકેશન પડશે. સરકાર દ્વારા અગાઉ શુક્રવારની રજા પણ જાહેર કરી દેવાતા હવે ૩૧ ઓક્‍ટોબરથી ૩ નવેમ્‍બર સુધી સળંગ રજા રહેશે. જોકે, દિવાળી વેકેશન પછી સરકાર દ્વારા કેટલાક મોટા નિર્ણયોની જાહેરાત કરાશે. જેમાં જંત્રીના સુધારેલા દર, રાજય નાણા પંચની રચના તેમજ કેટલીક નવી નીતિ જાહેર થાય તેવી પણ સંભાવના છે.

કર્મચારી મહામંડળની માગણી બાદ સરકારે ૧ નવેમ્‍બરની રજા પણ જાહેર કરી હતી. તેના કારણે ગુરુવારે દિવાળીની, શુક્રવારે જાહેર કરાયેલી, શનિવારે બેસતું વર્ષ અને રવિવારે (ભાઇબીજ)ની રજાનો પણ લાભ મળશે. જોકે, સરકારી કચેરીઓ બંધ હોવાથી ચાર દિવસ દરમિયાન નાગરિકોને તેને લગતું કામ હશે તો સોમવાર સુધી રાહ જોવી પડશે. તેમ છતાં મોટાભાગની સરકારી સેવાઓ ઓનલાઇન કરી દેવાઇ હોવાથી તેને લગતું કામકાજ થઇ શકશે. ચાર દિવસની રજા મળતા અનેક અધિકારી-કર્મચારી વધુ રજા મૂકીને લાંબા વેકેશન મનાવવાની તૈયારી પણ કરી છે.

બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી વડાપ્રધાન મોદીની રાજયમાં સળંગ બે મુલાકાત તેમજ અન્‍ય મહાનુભાવોના કાર્યક્રમમાં મંત્રીઓ વ્‍યસ્‍ત રહ્યા હતા. જોકે, દિવાળી વેકેશન પૂર્ણ થવા સાથે જ સરકારી તંત્ર આગામી બજેટની તૈયારીમાં વ્‍યસ્‍ત થઇ જશે. તે સાથે જંત્રીના સુધારેલા દરની જાહેરાતની અપેક્ષા પણ બાંધકામ વ્‍યવસાય સાથે સંકલાયેલો વર્ગ રાખી રહ્યો છે. રાજય નાણા પંચની રચના પણ સરકારમાં વર્ષોથી ટલ્લે ચઢી છે તેની જાહેરાત કરવી પણ અનિવાર્ય છે.

(9:59 AM IST)