<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ભાવનગરમાં બેવડી ઋતુ અનુભવતા લોકોઃ રાત્રે ઠંડી અને બપોરે ગરમી

તાપમાનનો પારો 36 ડિગ્રીથી ઉપર પહોંચી જતાં પરસેવો પાડતી ગરમી રહીઃ આરોગ્ય ઉપર વિપરીત અસર

અમદાવાદઃ ગુજરાતના ભાવનગર શહેરમાં બેવડી ઋતુનો માર જોવા મળ્યો છે. જેમાં શહેરમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે. શહેરમાં બેવડી ઋતુ યથાવત રહી છે. રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. તો દિવસે તાપમાનનો પારો 36 ડિગ્રીથી ઉપર પહોંચી જતાં પરસેવો પાડતી ગરમી રહી હતી. જેના કારણે લોકોએ અકળામણનો અનુભવ કર્યો હતો.

છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધ-ઘટનો યથાવત રહેતા લોકોના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. શહેરમાં રાત્રિના સમયે ઠંડીનો ચમકારો રહેતા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૦.6 ડિગ્રી નીચે ગગડીને 24 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો તેનાથી ઉલટ દિવાળીના દિવસે સૂર્યનારાયણ જાણે આકરા મિજાજમાં હોય તેમ ઉનાળાના આરંભ જેવી ગરમી રહી હતી. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું જોર વધું રહેવાના કારણે મહત્તમ તાપમાનનો પારો 1.2 ડિગ્રી ઉંચકાઈને 36.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા રહેતા શહેરીજનોએ બફારાનો પણ અનુભવ કર્યો હતો. પવનની ઝડપ 08 કિ.મી. પ્રતિકલાકની રહી હતી.

દિવાળીના તહેવારમાં ગરમી વધતા બપોરના સમયે બજારમાં અંતિમ ઘડીની ખરીદી કરવા આવતા લોકો રીતસરના પરસેવે નિતરતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં ગરમી અને ઠંડીનો અહેસાસ થતા શરદી, ખાંસી પણ લોકો જોવા મળી રહી છે. બન્ને ઋતુ એક દિવસમાં અનુભવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેથી સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

(2:24 PM IST)