News of Friday, 1st November 2024
અમિતભાઇ શાહે અમદાવાદ પીપળ જ ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાઃ અહીં દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ થશેઃ ૧પ મેગાવોટ વિજળી ઉત્પનન થશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આજે નૂતન વર્ષ પૂર્વે અમદાવાદને સ્વચ્છ બનાવવાની દિશામાં વધુ એક ભેટ ધરતા રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ તખ્તી અનાવરણ બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિબિન કાપી, બટન દબાવીને પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો. ત્યાર બાદ અમિતભાઈ શાહે તેના વિવિધ વિભાગો અને કાર્યપ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.
પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. આ પ્લાન્ટ આશરે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના આજના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યસભા સાંસદ નરહરિભાઈ અમીન, લોકસભા સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
