<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

શું અમદાવાદ મનપા ગુમાવશે કુલ 31 જેટલી જમીનો ? : વકફ બોર્ડ દ્વારા દાવો કરાયો :એકતરફી નિર્ણયના એંધાણ

મનપાના લીગલ વિભાગ દ્વારા વકીલ રોકી અને જવાબો રજૂ કરાયા નથી :ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ દ્વારા AMCને છેલ્લો પત્ર પાઠ‌વ્યો

અમદાવાદ મહાનગરપાલિકાની કરોડોની જમીન વકફ બોર્ડમાં જઈ શકે છે. આશરે 31 જેટલી જમીનો મુસ્લિમ વકફ બોર્ડમાં જતી રહે તો નવાઈ નહીં અને તેનું કારણ છે...AMCની બેદરકારી, આ જમીનો અંગે કોર્ટ કેસ ચાલુ છે. પરંતુ દાવાના કેસમાં કોઈ વકીલ હાજર જ રહેતા નથી. AMC હજુ તો દિવાળી બાદ વકીલ નક્કી કરીને માહિતી મેળવીને આગળ વધવાનું કહી રહી છે. પણ જો હવે કોઈ વકીલ હાજર નહીં રહે તો એકતરફી નિર્ણય આવી શકે છે

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન પર તંત્રની બેદરકારીના કારણે ગેરકાયદે દબાણ અથવા કબજો થઈ ગયો છે. શહેરમાં જમાલપુર, ગોમતીપુર, શાહપુર અને સરખેજ રોજા સહિત અલગ-અલગ જગ્યાઓએ કુલ 31 જેટલી જમીનો ઉપર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા વકીલ રોકી અને જવાબો રજૂ કરવામાં આવ્યા નથી.

ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ દ્વારા AMCને છેલ્લો પત્ર પાઠ‌વ્યો છે. જેમાં જો મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની સામેના કેસમાં સત્વરે વકીલ રોકીને જવાબ રજૂ નહીં કરે તો વકફ દ્વારા એક તરફી કેસ ચલાવવામાં આવશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે અને હજુ તો AMC દિવાળી પછી કંઈક કરીશું તેવા જ જવાબો આપી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિસ્તારોમાં આવેલી 31 જમીનો પર વકફના દાવાના કેસમાં લીગલ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કરોડો રૂપિયાની કોર્પોરેશનની જમીનો ઉપર વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવાનો મામલો બહાર લાવ્યા.. ત્યારબાદ પણ હજી સુધી લીગલ વિભાગ ઊંઘતું જ રહ્યું છે.

(11:23 PM IST)